દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી હોટેલમાંથી રૂ.14,000ની રોકડની ચોરી,ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નેત્રદિપ આઈ હોસ્પિટલની બાજુમાં આવેલી જાણીતી ‘માં શક્તિ ટી પોસ્ટ’ હોટેલને નિશાન બનાવી એક અજાણ્યો ચોર ઈસમ રાત્રિના…

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નેત્રદિપ આઈ હોસ્પિટલની બાજુમાં આવેલી જાણીતી ‘માં શક્તિ ટી પોસ્ટ’ હોટેલને નિશાન બનાવી એક અજાણ્યો ચોર ઈસમ રાત્રિના સમયે રોકડા રૂૂપિયા 14,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.

આ અંગે હોટેલમાં છેલ્લા દોઢ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા અને રૈયાધાર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવાન ઋત્વિક રાજેશભાઇ જાનીએ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગતો અનુસાર, ગત 9 જૂન 2026ના રોજ રાત્રિના આશરે દશેક વાગ્યે હોટેલ બંધ કરીને મેનેજર પોતાના ઘરે ગયા હતા.

બીજા દિવસે સવારે જ્યારે તેઓ હોટેલ પર પરત ફર્યા અને દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા, ત્યારે પાન વિભાગમાં બધો સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો.

આ સાથે જ પૈસા રાખવાનું કાઉન્ટરનું ખાનું પણ ખુલ્લું હતું, જે તપાસતા તેમાંથી અંદાજે રૂ.14,000 ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે હોટેલના માલિકના દીકરા ગૌરવભાઈને જાણ કર્યા બાદ સંયુક્ત રીતે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.

ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે રાત્રિના આશરે પોણા ચાર વાગ્યે એક અજાણ્યો શખ્સ મોઢા પર રૂમાલ બાંધીને બાજુની હોસ્પિટલની દીવાલ ટપી, પાછળના દરવાજેથી હોટેલમાં ઘૂસ્યો હતો અને કાઉન્ટરમાંથી પૈસા થેલીમાં ભરીને ફરાર થઈ ગયો હતો.હાલમાં હેડ કોન્સ્ટેબલ ઈમરાનભાઈ ચુડાસમા દ્વારા આ ચોરને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *