રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલ સરધાર ગામે રહેતા મોબાઇલની દુકાન ચલાવતા વેપારીના એક કલાક બંધ પડેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ અને સોના ચાંદીના દાગીના સહીત રૂૂ.1.50 લાખની મતા ચોરી કરી મકાન અંદરથી બંધ કરી ડેલી કુદી ભાગી જતા આ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકાએ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ નજીક હરીપર રોડ સરધાર સરકારી સ્કુલ પાસે રહેતા અને સરધાર ગામમાં બસ સ્ટેશનની સામે ગાયત્રી મેડીકલની ઉપર આઇ મોબાઇલ નામની દુકાન ચલાવતા વેપારી ધર્મેશ ભુપતભાઈ ગમારાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ કાલે તા.15/12/2024 ના રોજ બાજુમાં રહેતા સાગરભાઇ સરસીયાના પત્નીનુ શ્રીમંત પ્રસંગ હોય જેનો જમણવાર ગામમાં ઢાંકેચા સમાજની વાડીમાં રાખેલ હોય ધર્મેશભાઈના માતા મંજુબેન મકાન બંધ કરી ત્યાં ગયા હતા. અને ધર્મેશભાઈ અણીયાળા ગામે હોટલ આઈ માં રેસ્ટોરન્ટ ખાતે હતા ત્યારે માતા મંજુબેને ચોરીની જાણ કરી હતી.મંજુબેન શ્રીમંત પ્રસંગથી પરત આવ્યા ત્યારે મકાનની ડેલી કોઈએ અંદરથી બંધ કરી બાજુમાં રહેતા અલ્લારખાભાઇને બોલાવી દિવાલ કુદી અને અંદર જઇ ડેલી ખોલી હતી.
તપાસ કરતા રૂૂમના બન્ને દરવાજા ખુલ્લા જોવા મળ્યા અને તાળા તુટેલ હતા જેથી રૂૂમમાં જઇ તપાસ કરતા બધો સામાન રૂૂમમાં નીચે વેરવિખેર પડેલ હતો અને કબાટમાં રાખેલ રૂૂ.1.30 લાખના સોના-ચાંદીના ઘરેણા તથા 20 હજાર રોકડા રૂૂપીયા મળી રૂૂ.1.50 લાખની મતા કોઈ ચોરી જતા આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. માત્ર એક થી સવા કલાક બંધ મકાન માં થયલી આ ચોરીમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.
