ભાવનગર:શહેરના નિલમબાગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SMECC વિભાગ) સાથે રૂૂ.1.35 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સરકારી સબસીડીવાળી PMEGP યોજના હેઠળ લઘુ ઉદ્યોગના બહાને લોન મેળવી, બેંક સાથે વિશ્વાસઘાત કરવા બદલ નિલમબાગ પોલીસે ચાર મહિલા લોન ધારકો અને બે એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશ રજનીકાંત ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2023 થી 2025 દરમિયાન આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ એજન્ટ ભરતભાઈ સુગનામલભાઇ અડવાણી પાસેથી મેળવેલા મશીનરીના ખોટા બિલોનો ઉપયોગ કર્યો હતો. અન્ય એક એજન્ટ સુનિલભાઇ ત્રિલોકચંદ હાસેજા મારફતે આ દસ્તાવેજો બેંકમાં રજૂ કરી લાખોની ટર્મ લોન અને સી.સી. લોન મંજૂર કરાવી હતી.
બેંકના અધિકારીઓએ જ્યારે લોન ધારકોના એકમોનું સ્થળ નિરીક્ષણ કર્યું ત્યારે ત્યાં કોઈ પણ પ્રકારની મશીનરી કે સ્ટોક જોવા મળ્યો નહોતો. લોનની રકમ જે હેતુ માટે લેવામાં આવી હતી તેના બદલે આરોપીઓએ પોતાના અંગત કામોમાં વાપરી નાખી હતી. વારંવારની નોટિસ છતાં નાણાં ભરપાઈ ન કરતા આ તમામ ખાતાઓ ’એન.પી.એ.’ (ગઙઅ) જાહેર થયા હતા. અંતે બેંક દ્વારા કરવામાં આવેલી અરજીની તપાસ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ કોભાંડ અંગે પોલીસ ફરિયાદમાં જેઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં ભુમી નિખીલભાઈ પંડ્યા (રહે. ભરતનગર, ભાવનગર), કીરણબેન જીતેંદ્રભાઈ રાઠોડ (રહે. શિવાજી સર્કલ પાસે, ભાવનગર),જલ્પાબેન પિયુષભાઈ શાહ (રહે. ભરતનગર, ભાવનગર), જાગ્રુતિબેન વિવેકભાઈ લાલવાણી (રહે. ઘોઘા સર્કલ, ભાવનગર),ભરતભાઈ સુગનામલભાઇ અડવાણી (એજન્ટ) સુનિલભાઇ ત્રિલોકચંદ હાસેજા (એજન્ટ) નો સમાવેશ થાય છે.
ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.એ. ચુડાસમાએ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. આ કૌભાંડથી ચકચાર મચી જવા પામી છે.
