શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા હંસરાજનગરમાં રહેતો પરિવાર ભાણેજના લગ્નમાં આગ્રા ગયો હતો ને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂા.1.30 લાખની મતાની ચોરી કરી ગયા હતા. તસ્કરો રવેશનો દરવાજો તોડી ઘરમાંથી રૂા.1 લાખની રોકડ અને દાગીના ઉઠાવી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ હંસરાજનગર શેરી નં.4માં રહેતા અને સાધુ વાસવાણી રોડ પર પાનની દુકાનમાં નોકરી કરતા પ્રકાશભાઇ અશોકભાઇ દામાણી (ઉ.વ.44) ગત તા.5ના સવારે તેમના પરિવાર સાથે મકાનને તાળા મારી આગ્રા ખાતે ભાણેજના લગ્ન પ્રસંગમાં ગયા હતા. જયાનથી ગઇકાલે રાતે પરત ઘરે આવ્યા ત્યારે મેઇન દરવાજાનું તાળુ ખોલી ઘરમાં પ્રવેશ કરતા મંદિર અને રૂમનો દરવાજો ખુલો હોય જેથી ચોરી થયાની શંકા જતા તેઓ પહેલા માળે જતા રૂમનો દરવાજો ખુલો હોય અને સામાન વેર વિખેર હાલતમાં પડયો હતો.
કબાટ પણ તુટેલો હતો. જેથી તપાસ કરતા તસ્કરો રવેશનો દરવાજો તોડી કબાટની તિજોરીમાંથી સોનાની વીટી નં.2, સોનાની ઇયરીંગ, પેંડલ અને રૂા.1 લાખની રોકડ મળી કુલ રૂા.1.30 લાખની ચોરી કરી ગયા હતા.આ અંગે પ્ર.નગર પોલીસમાં જાણ કરતા પીએસઆઇ જે.બી. રાણીંગા સહીતના સ્ટાફે દોડી જઇ પ્રકાશભાઇની ફરીયાદ પરથી ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.ફરીયાદીના જણાવ્યા મુજબ તેમણે મકાનમાં રીનોવેશન કરાવેલું હોય જેના માટે બેંકમાંથી લોન લીધી હતી અને બીજા ખર્ચ માટે રોકડ ઘરમાં રાખી હતી. પાડોશમાન સીસીટીવી કેમેરા લાગેલા હોય જેના ફુટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
