જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર આવેલી ’મધુર બંગલોઝ’ નામની બાંધકામ સાઈટ પર મોડી રાત્રે સશસ્ત્ર લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઘાતક હથિયારો સાથે ત્રાટકેલી 4 શખ્સોની લૂંટારૂૂ ટોળકીએ સાઈટ પર ચોકીદારી કરતા એક 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી, માથાના ભાગે છરીના ઘા ઝીંકી લોહીલુહાણ કરી રોકડ રકમ તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, ધોરાજીના આંબેડકર નગરમાં રહેતા અને પેઢલા નજીક આવેલ મધુર બંગલોઝમાં ચોકીદાર તરીકે નોકરી કરતા માધાભાઈ નાથાભાઈ બગડા (ઉં.વ. 77) પોતાની રોજિંદી નોકરી પર હાજર હતા. રાત્રે આશરે બે થી અઢી વાગ્યાના સુમારે વરસાદ પડી રહ્યો હોવાથી તેઓ પાર્કિંગ વિસ્તારમાં રાખેલા ખાટલા પર બેઠા હતા. તે જ સમયે 25 થી 30 વર્ષની વયજૂથના 4 જેટલા અજાણ્યા શખ્સો હાથમાં છરી, કુહાડી અને ધારિયું જેવા અત્યંત ઘાતક હથિયારો સાથે અચાનક ધસી આવ્યા હતા.
લૂંટારૂૂઓએ આવીને તુરંત જ માધાભાઈનું મોં દબાવી, તેમને ઊંચકીને સામે આવેલા એક રૂૂમમાં લઈ ગયા હતા. ત્યાં તેમને ધમકાવતા લૂંટારૂૂઓએ કહ્યું કે, “બંગલાની ચાવી આપી દે અને માલ ક્યાં રાખેલો છે તે બતાવ!” જેથી માધાભાઈએ ડરતાં ડરતાં જણાવ્યું હતું કે, અહીં કોઈ રહેતું નથી અને બંગલામાં કોઈ કિંમતી સામાન પણ નથી. આ સાંભળીને ઉશ્કેરાયેલા તસ્કરોએ ખાટલાની પાટી વડે માધાભાઈના હાથ-પગ બાંધી દઈ તેમને બંધક બનાવી દીધા હતા.
આટલેથી ન અટકતાં, લૂંટારૂૂઓ પૈકીના એક શખ્સે પોતાની પાસે રહેલી અણીદાર છરી વડે વૃદ્ધ ચોકીદારના માથાના ભાગે ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેઓ સ્થળ પર જ લોહીલુહાણ થઈ ગયા હતા. ત્યારબાદ આ શખ્સોએ વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા રૂૂ. 3,500 તથા રૂૂ. 500ની કિંમતનો મોબાઈલ ફોન બળજબરીપૂર્વક લૂંટી લીધો હતો. બંગલામાં અન્ય કોઈ કિંમતી કીમતી સામગ્રી ન જણાતાં લૂંટારૂૂ ટોળકી ત્યાંથી અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગઈ હતી.
લૂંટારૂૂઓ ભાગી ગયા બાદ, ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા માધાભાઈએ મહામહેનતે પોતાના બંધાયેલા હાથ-પગ છોડાવ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે રોડ પર આવીને એક રાહદારીની મદદથી પોતાના પુત્ર રમેશભાઈને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પુત્ર અને અન્ય સગા-સંબંધિઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા માધાભાઈને પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, આ ઘટના અંગે વૃદ્ધની ફરિયાદના આધારે જેતપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. શર્માએ 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટ અને હુમલાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ, આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે લૂંટારૂૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાવકીના આઠ કારખાનાને નિશાન બનાવનાર ટોળકીએ લુંટ ચલાવતા પોલીસની ઊંઘ હરામ
લોધીકા તાલુકાના રાવકી ગામે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં ગત સપ્તાહે મોડી રાત્રે ચડ્ડી-બનિયાનધારી શાતિર તસ્કર ટોળકીએ આંતક મચાવ્યો છે. મોઢે કાળા કપડાં અને માથે રૂૂમાલ બાંધીને ત્રાટકેલા ચોરોએ એક જ રાતમાં એકસાથે 8 જેટલા કારખાનાને નિશાન બનાવ્યા હતા.લૂંટારૂૂ ટોળકીએ તે પૈકીના ત્રણ કારખાનામાંથી કુલ રૂૂ. 60,500ની રોકડ રકમની મત્તા તફડાવી લીધી હતી. પોલીસ આ ટોળકીને પકડવા તપાસ કરીર રહી છે,ત્યારે આ ટોળકીએ લુંટને અંજામ આપ્યો હતો. જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર આવેલી ’મધુર બંગલોઝ’ નામની બાંધકામ સાઈટ પર પણ મોડી રાત્રે લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોલીસે આ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
