સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહેલા રાજકોટ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સ્માર્ટ બનવાને બદલે વધુ ગૂંચવાયેલી જોવા મળી રહી હોય તેમાં પણ ટ્રાફિક સમસ્યા નિવારવા તાજેતરમાં ટ્રાફિક પોલીસે કરેલા અખતરા ઊંઘા પડી રહ્યા છે. શહેરમાં જ્યાં વર્ષોથી વાહનોની અવરજવર સરળતાથી થતી હતી, તેવા રસ્તાઓ પર અચાનક બેરિકેડ્સ મૂકીને રસ્તા બંધ કરી દેવાના ટ્રાફિક પોલીસના આ નવા અખતરા સામે નાગરિકોને વિરોધનો બંડ પોકાર્યો છે. શહેરના જામનગર રોડ સાંઢીયા પુલ પાસે અને ટ્રાફિક પોલીસ કચેરી પાસે બેરીકેટ મૂકી દેતા પોલીસના આ અણઘડ અખતરાને કારણે ટ્રાફિક સમસ્યા સુધારવાના બદલે બગડી રહી હોય પોલીસ દ્વારા અપાયેલ આ દિશાહીન’ ડાયવર્ઝનને કારણે રાજકોટના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બંધ કરેલા રસ્તાથી વાહનચાલકોની દરરોજ ભારે હાલાકી ભોગવી રહ્યા હોય આ મામલે પોલીસ અને મહાનગરપાલિકાના તંત્રને રજૂઆત છતાં કોઈ ઉકેલ નહી આવતા અંતે રાજકોટના નગરિકોએ જાતે જ આ બંધ રસ્તા ખોલી બેરીકેટ હટાવી દીધા હતા.
શહેરના વ્યસ્ત ગણાતા જામનગર રોડ પર ટ્રાફિક ઓફીસની બિલકુલ નજીક, રૂૂડા બિલ્ડિંગ સામેનો રસ્તો વર્ષોથી અવરજવર માટે ખુલ્લો હતો. હજારો વાહનચાલકો દરરોજ આ માર્ગનો ઉપયોગ કરતા હતા. રાજકોટના લોકમેળાના ટ્રાફિક નિયમન માટે આ આ રસ્તો કામચલાઉ રીતે પાંચ દિવસ બંધ કરવામાં આવ્યા બાદ, અચાનક ટ્રાફિક પોલીસના અધિકારીઓને બ્રહ્મજ્ઞાન આવતા આ રસ્તો કાયમી ધોરણે બંધ રાખવાનો નિર્યણ ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. આ અણઘડ નિર્ણયને કારણે જામનગર રોડ તેમજ પારસાણાનગર, જંકશન પ્લોટ,સિંધી કોલોની રેલ્વે સ્ટેશન તરફથી આવતા અને રેસકોર્સ રિંગ રોડ, શ્રોફ રોડ કે કલેક્ટર ઓફિસ તરફ જવા ઈચ્છતા વાહનચાલકો ભારે મૂંઝવણમાં મુકાયા હતા. કારણ કે, વાહન ચાલકોને ફરજિયાતપણે જામ ટાવર થઈને લાંબો ફેરો કરવો પડતો હતો. તેના કારણે જામટાવર ચોકમાં ભારે ટ્રાફિક થતો હતો અને વાહન ચાલકોના પેટ્રોલ અને સમયનો વ્યય થતો હતો.
ટ્રાફિક પોલીસના એક નાનકડા અખતરાએ આ આખા પટ્ટાને અકસ્માતના ઝોનમાં ફેરવી નાખ્યો હતો, આવીજ રીતે રેલનગર અંડરબ્રિજ તરફના જતા અને રેલનગર અને જામનગર રોડ થી ભોમેશ્વર મંદિર તરફ જતા વાહન ચાલકો માટે સરળતાથી જ્યાં આવન-જાવન થતી હતી ત્યાં બન્ને ભાગમાં ટ્રાફિક બેરિકેડ મૂકીને વાહનોને આડેધડ ડાયવર્ટ કરવામાં મજબુર કરવામાં આવ્યા હતા. વધુમાં, જામનગર રોડ સાંઢીયા પુલ પાસે ડાબી તરફથી ભોમેશ્વર તરફ જવા ડાયવર્ઝન અપાયું છે. પરતું આ કમ્મરતોડ કાચા રસ્તે વાહન ચલાવનારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી હતો. બીજી તરફ રેલ્વેની લોકો કોલોની જ્યાંથી સીધું રેલનગર બ્રીજ તરફ જઈ શકાતું હતું તે રસ્તો રેલ્વે દ્વારા બંધ કરી દીધો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા બુદ્ધીનું પ્રદર્શન કરી રસ્તા બંધ કરી દેતા રેલનગર અને ભોમેશ્વર સહિતના વિસ્તારના લોકોમાં ભારે રોષ ઉઠ્યો હતો. સ્થાનિક રહીસો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હોય આ મામલે રજૂઆત છતાં કોઈ યોગ્ય ઉકેલ નહી આવતા અંતે ગઈકાલે સાંજે લોકોએ જાતે જ આ બેરીકેટ દુર કરી રસ્તા ખોલી નાખ્યા હતા. ટ્રાફિક પોલીસે રસ્તા બંધ કરી વાહન ચાલકો ઉપર ધરાર નિયમનો કોરડો વીંઝવો ભારે પડ્યો હતો. લોકોની સહન શક્તિ પૂરી થતા અંતે નાગરિકોએ જાતે રસ્તા ખોલી ચમત્કાર દેખાડ્યો હતો.
હવે કોટેચા ચોકના બંધ રસ્તા ખુલશે કે, લોકો ખોલી નાખશે
ટ્રાફિક પોલીસના આ પ્રયોગો માત્ર જામનગર રોડ પૂરતા સીમિત નથી. પશ્ચિમ રાજકોટના હૃદય સમાન કોટેચા ચોકમાં પણ ટ્રાફિક પોલીસે આવો જ એક આંચકાજનક નિર્ણય લીધો છે. કોટેચા ચોકમાં છેલ્લા પાંચ મહિના કરતા વધુ સમયથી બેરિકેટિંગ કરીને એક તરફનો આખો રસ્તો બંધ કરી દેવાયો છે. જેના કારણે યુનિવર્સીટી રોડ, ઇન્દિરા સર્કલ અને નિર્મલા કોન્વેન્ટ રોડ તરફથી આવતા વાહન ચાલકો જેમને કેકેવી સર્કલ કે કાલાવડ રોડ તરફ જવું હોય તેવા વાહનચાલકોને મહિલા કોલેજ અંડરબ્રિજ સુધી લાંબુ થવું પડે છે. કારણ કે વાહન ચાલકો માટે મહિલા કોલેજ અંડરબ્રિજ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનને કારણે પીક અવર્સ દરમિયાન ખાસ કરીને શાળા કોલેજ છુટવાના સમય તેમજ સાંજના 6 થી 8 સુધી કોટેચા ચોક તેમજ કાલાવડ રોડ ઉપર દરરોજ ટ્રાફિક જામ સર્જાય છે. તેમજ મહિલા કોલેજ અંડરબ્રિજ આસપાસ ટ્રાફિકનું ભારણ અસહ્ય બની જાય છે. ટ્રાફિકથી ધમધમતા કોટેચા ચોકમાં લગાવેલા આ બેરીકેટને વાહનચાલકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે હવે આ બેરીકેટ ટ્રાફિક પોલીસ હટાવશે કે અહિયાં પણ લોકો જાતે જ બેરીકેટ હટાવી રસ્તો ખુલ્લો કરશે તે હવે જોવાનું રહ્યું ?
