RMCની આંગણવાડીમાં પ્રવેશોત્સવ, પ્રથમ દિવસે 1537 ભૂલકાંઓને પ્રવેશ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આઈસીડીએસ વિભાગ દ્વારા શહેરના 3 થી 5 વર્ષના દરેક બાળકને આંગણવાડી સેવાઓનો લાભ મળી રહે તે હેતુસર પ્રવેશોત્સવ-2026 અંતર્ગત વિશેષ પ્રવેશ અભિયાન…

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આઈસીડીએસ વિભાગ દ્વારા શહેરના 3 થી 5 વર્ષના દરેક બાળકને આંગણવાડી સેવાઓનો લાભ મળી રહે તે હેતુસર પ્રવેશોત્સવ-2026 અંતર્ગત વિશેષ પ્રવેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણી તેમજ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં વ્યાપક સ્તરે આ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી રહી છે. આંગણવાડી કેન્દ્રોમાં ગઇકાલે તા.18મીએ નવા 1573 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

આ અભિયાન અંતર્ગત શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તાર, વંચિત વસાહતો તથા જરૂૂરિયાતમંદ વિસ્તારોમાં આંગણવાડી કાર્યકર્તાઓ અને આઈસીડીએસ સ્ટાફ દ્વારા દરરોજ ડોર-ટુ-ડોર મુલાકાત લેવામાં આવી રહી છે. બાળકોના વાલીઓને આંગણવાડી કેન્દ્રોમાં મળતી વિવિધ સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે તેમજ બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડીની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે સમજણ આપવામાં આવી રહી છે.
વાલીઓ સાથે સીધી ચર્ચા કરી તેમને બાળકોને નિયમિત રીતે આંગણવાડીમાં મોકલવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે સ્થળ પર જ નવા લાભાર્થી બાળકોનું નોંધણી કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી શહેરનો કોઈપણ બાળક સરકારની આ મહત્વપૂર્ણ સેવાઓથી વંચિત ન રહે.

આંગણવાડી કેન્દ્રો માત્ર પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પૂરતું મર્યાદિત નથી પરંતુ બાળકોના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસ માટેનું સશક્ત માધ્યમ છે. અહીં બાળકોને રમતાં-ગમતાં શીખવાની પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે જેથી બાળકનો અભ્યાસ પ્રત્યે રસ વધે અને પ્રાથમિક શિક્ષણ માટે મજબૂત પાયો તૈયાર થાય.

આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પૌષ્ટિક આહાર, આરોગ્યલક્ષી સેવાઓ, સમયાંતરે આરોગ્ય તપાસ, રસીકરણ તથા બાળમિત્ર વાતાવરણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓ બાળકોના આરોગ્ય અને પોષણ સ્તરને સુધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. પ્રવેશોત્સવ ઝુંબેશની અસરકારક અમલવારી માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિયમિત ફિલ્ડ વિઝિટ કરવામાં આવી રહી છે. સમગ્ર આઈસીડીએસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન આંગણવાડી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તેમજ લાભાર્થી પરિવારો સાથે સીધી મુલાકાત કરી સરકારની વિવિધ યોજનાઓ તથા આંગણવાડી સેવાઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *