દ્વારકા જિલ્લામાં ધીમી ધારે મેઘ મહેર: ઘી ડેમ ફરી ઓવરફ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે રાત્રીથી શરૂૂ થયેલા વરસાદે ગઈકાલે પણ ધીમીધારે હેત વરસાવ્યું હતું અને જુદા જુદા વિસ્તારોમાં હળવા તથા ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે રાત્રીથી શરૂૂ થયેલા વરસાદે ગઈકાલે પણ ધીમીધારે હેત વરસાવ્યું હતું અને જુદા જુદા વિસ્તારોમાં હળવા તથા ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે સવાર સુધીમાં વરસી ગયેલા ચાર ઈંચ વરસાદ બાદ ગઈકાલે સોમવારે દિવસ દરમિયાન સૌથી વધુ દ્વારકામાં દોઢ ઈંચ (35 મી.મી.) વરસાદ વરસ્યો હતો. ત્યારે ભાણવડમાં આજે સવારે અડધો ઈંચ તેમજ કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં ભારે ઝાપટા વરસ્યા હતા.

આ સાથે આજે સવારે 8 વાગ્યા સુધીમાં જિલ્લામાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 48 ઈંચ (1192 મી.મી.), દ્વારકા તાલુકામાં સાડા 35 ઈંચ (885 મી.મી.) ભાણવડ તાલુકામાં સાડા 32 ઈંચ (819 મી.મી.) અને ખંભાળિયા તાલુકામાં સાડા 25 ઈંચ (639 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા 35 ઈંચ (884 મી.મી.) થવા પામ્યો છે. રવિવારે રાત્રે વરસેલા ધોધમાર વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

ખંભાળિયાથી ટીટોડી ગામ તરફ જતો મુખ્ય માર્ગ પણ થોડો સમય બંધ થયો હતો. અહીંની કુંતી નદીનું પાણી કોઝવે પર ફરતા ફરી વળતા લોકોની મુશ્કેલી વધી હતી અને કોઝવે પર ગોઠણ સમા પાણી વહેતા વાહન વ્યવહાર થોડો સમય ખોરવાઈ ગયો હતો. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના રાવલ અને ભાટિયા રોડ પરના પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા અને અહીંથી વાહન ચાલકો જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા હતા.

ગઈકાલે મહદ અંશે મેઘ વિરામ રહેતા ગરબીના આયોજનો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. આજે સવારે પણ વરસાદી માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ખંભાળિયા શહેરની જીવાદોરી સમાન ઘી ડેમ કે જે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પણ સિંચાઈનું પાણી પૂરું પાડે છે, તે તાજેતરના ધોધમાર વરસાદના પગલે વધુ એક વખત ઓવરફ્લો થતાં નગરજનો તેમજ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *