રાજકોટ મહાપાલિકાના નવા નગર સેવકોને મોંઘવારી નડી હોય તેમ 72માંથી 40 જેટલા નગરસેવકોએ રૂા.15 હજારમાંથી વેતન વધારી રૂા.50 હજાર કરવા મેયર સમક્ષ રજુઆત કરતા ચર્ચા જાગી છે. વેતન વધારો માંગનાર 40 પૈકી 33 તો મહીલા નગરસેવકો હોવાનું બહાર આવ્યું છે.
ખાસ વાત એ છે કે રજૂઆત કરનારા કોર્પોરેટરોમાં મોટી સંખ્યામાં મહિલા કોર્પોરેટરોનો સમાવેશ થાય છે. જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.એક તરફ સામાન્ય નાગરિકો મોંઘવારી, વધતા ઘરખર્ચ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાના માનદવેતનમાં ત્રણ ગણાથી વધુ વધારાની માંગ કરવામાં આવતા હવે સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટમાં 15 હજાર રૂૂપિયાથી વધારીને સીધા 50 હજાર રૂૂપિયા પ્રતિ માસ કરવાની માંગ કરવી તે મનપાની તિજોરી પર સીધો બોજ સમાન છે. ખુદ મેયર નેહલ શુક્લે પણ આ અંગે સ્વીકાર્યું છે કે આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી અને વૈજ્ઞાનિક મૂલ્યાંકન તથા ગ્રાઉન્ડ ટ્રુડિંગ કર્યા બાદ જ યોગ્ય નિર્ણય લેવાશે. તેમ છતાં, અંદરખાનેથી સંગઠન અને નેતાઓ દ્વારા આ મામલે જે રીતે પડાપડી થઈ રહી છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે જનતાના હિતો કરતાં અંગત સ્વાર્થ વધુ વ્હાલો બન્યો છે. બીજી બાજુ અમદાવાદ, સુરત, વડોદરા જેવી મહાનગરપાલિકાઓમાં પણ કોર્પોરેટરોનું વેતન માત્ર 15000 જ છે. મોટી મહાનગરપાલિકાના કોર્પોરેટરોને મોંઘવારી નડતી નથી જ્યારે રાજકોટ જેવી મહાનગરપાલિકાના કોર્પોરેટરોને મોંઘવારી નડે છે અને ત્રણ ગણો પગાર વધારો માંગ્યો છે.
મહિલા કોર્પોરેટરો વતી કીર્તિબેન રાણાની આગેવાની હેઠળ રજૂઆત કરવામાં આવી છે અને તેઓએ જણાવ્યું હતું કે મહિલાઓને રોજિંદા કામ માટે મુસાફરી કરવી પડે છે અને ભાડા-ખર્ચા વધી જાય છે. પરંતુ વિશ્ર્લેષકો સવાલ પૂછી રહ્યા છે કે શું આ સમસ્યા માત્ર આજની છે? જો જનતાની સેવા જ કરવી હોય તો શું આર્થિક લાભ વિના તે શક્ય નથી? જ્યારે સામાન્ય ગરીબ પરિવારો બે ટૂંક સમયની રોટી માટે વલખાં મારતા હોય, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ પ્રકારે પોતાના પગાર વધારા માટે સંગઠિત થઈને દબાણ લાવવું તે નૈતિક રીતે કેટલું યોગ્ય છે?
સમગ્ર મામલે ગુજરાતના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ શાસક પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે માંગણી કરવામાં આવી છે તે અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમને વેતન નહીં પરંતુ ભ્રષ્ટાચાર પણ ઓછો લાગી રહ્યો છે.
મોટાભાગના મહિલા કોર્પોરેટરોને રજઆતની ખબર જ નથી?
વેતન વધારવા માટે કીર્તિબા રાણા સાથે અન્ય 30 જેટલી મહિલાઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, ત્યારે તે મહિલાઓનો સંપર્ક કરતા મોટાભાગના મહિલા કોર્પોરેટરોને કયા કારણોસર વેતન વધારાની રજૂઆત કરવામાં આવી છે તે ખબર જ નથી. કેટલીક મહિલાઓએ તો એવું પણ જણાવ્યું છે કે અમને કીર્તિબાએ કહ્યું હતું એટલે અમે માત્ર પત્રમાં સાઇન કરી હતી, જ્યારે કેટલાક મહિલા કોર્પોરેટરોએ એવું પણ જણાવ્યું કે હાલ જરૂૂર નથી પરંતુ કીર્તિબા રાણાએ કહ્યું એટલા માટે અમે પત્રમાં સાઇન કરી છે.
