રિક્ષાગેંગની નવી તરકીબ : વેફર લેવાના બહાને કરિયાણાના ધંધાર્થીની નજર ચૂકવી 12 હજારની તફડંચી

શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી તફડંચી કરતી રિક્ષાગેંગે હવે નવી તરકીબ અજમાવી હોય તેમ શહેરના સામાકાંઠે કરિયાણાની દુકાને વેફર લેવાના બહાને જઈ ધંધાર્થીની નજરચુકવી ટેબલ ઉપર…

શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી તફડંચી કરતી રિક્ષાગેંગે હવે નવી તરકીબ અજમાવી હોય તેમ શહેરના સામાકાંઠે કરિયાણાની દુકાને વેફર લેવાના બહાને જઈ ધંધાર્થીની નજરચુકવી ટેબલ ઉપર પડેલા રૂા. 12,500 તફડાવી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોેંધાતા બીડીવીઝન પોલીસે રિક્ષાચાલક અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ ઉપર રણછોડનગર શેરી નં. 4 માં રહેતા અને મકાનમાં જ શિવમ સેલ્સ એજન્સી નામે કરિયાણાની દુકાન ચલાવતા ભુદરભાઈ દેવસીભાઈ રાખોલિયા ઉ.વ.70 નામના વૃદ્ધે બીડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 10ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં તેઓ દુકાને હાજર હતાં.

અને મજુરોને પૈસા દેવા માટે બેંકમાંથી ઉપાડેલા 30 હજાર ટેબલ ઉપર રાખી ગણતા હતાં તે દરમિયાન લીલા-પીળા હુડ વાળી એક રિક્ષામાં રિક્ષાચાલક અને તેની સાથે આવેલો શખ્સ ગ્રાહક બની આવ્યા હતાં. જેમાં પાછળ બેસેલા શખ્સે દુકાનમાં આવી 40થી 50 વેફરના પેકેટ જોઈએ છે તેવુ કહેતા તેઓ ઉતાવળમાં રૂપિયા 30 હજાર ટેબલ પર રાખી દુકાનની પાછળના ભાગે ગ્રાહકને આપવા માટે વેફર લેવા ગયા હતાં પાછળથી પરત આવતા અજાણ્યો શખ્સ દુકાનમાંથી દોડીને રીક્ષામાં બેસી બન્ને ત્યાંથી ભાગી ગયા હતાં.

જેથી ફરિયાદી ભુદરભાઈએ ટેબલ પર રાખેલા રૂપિયા ખાનામાં મુકવા જતાં ઓછા થયેલા હોવાનું જણાઈ આવ્યું હતું જેથી તેઓએ રૂપિયાની ગણતરી કરતા તેમાંથી રૂપિયા 12,500 ઓછા હતાં આમ રિક્ષાગેંગ વેફર લેવાના બહાને દુકાનમાં આવી તેમની નજર ચુકવી ટેબલ ઉપર રાખેલા રૂપિયા 12,500 તફડાવી ગયાનું જણાઈ આવતા તેમણે બીડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બીડીવીઝન પોલીસે લીલી અને પીળા હુડ વાળી રિક્ષાના ચાલક અને તેની સાથે આવેલા અજાણ્યા દાઢીવાળા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *