રાજકોટમાં રિક્ષા ગેંગ દ્વારા મુસાફરોની રોકડ સહિતની કિંમતી માલમત્તા તફડાવી લેવાની ઘટનાઓ બાદ હવે વધુ એક મુસાફરને લૂંટી લીધાની ઘટના સામે આવી છે. ગોંડલ એસઆરપી ગ્રુપ-8માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા બીજેન્દ્રસિંહ ચૌહાણના 25 વર્ષીય પુત્ર મોહિતને રાજકોટમાં રિક્ષા ગેંગે છરી બતાવીને લૂંટી લીધો હતો. આ મામલે ભક્તિનગર પોલીસે રિક્ષા નંબરના આધારે ત્રણેય આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી લીધા હતા.
વધુ વિગતો મુજબ,ગોંડલ એસઆરપી ગ્રુપ-8ના કેમ્પમાં રહેતો મોહિત હોટેલ ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. ગઈ તા. 21મીએ તે વાંકાનેરમાં ટાઈલ્સની ફેક્ટરીમાં ઈન્ટરવ્યુ આપીને ટ્રેન દ્વારા રાજકોટ આવ્યો હતો. રાજકોટ રેલ્વે સ્ટેશનની બહારથી તે એસટી બસ સ્ટેન્ડ જવા માટે રિક્ષામાં બેઠો હતો, જેમાં અગાઉથી જ બે શખ્સો પેસેન્જર તરીકે બેઠેલા હતા. રસ્તામાં મોહિતને ક્યાં જવું છે તેમ પૂછતાં તેણે ગોંડલ જવાનું કહ્યું હતું, જેથી રિક્ષાચાલકે ’અમે પણ ગોંડલ જઈએ છીએ’ તેમ કહીને સાથે આવવા જણાવ્યું હતું.
પરંતુ મોહિતે ’મારે બસમાં જ જવું છે’ તેમ કહેતા જ આરોપીઓએ તેની સાથે ઝઘડો શરૂૂ કરી દીધો હતો. એટલું જ નહીં, રિક્ષાને એસટી બસ સ્ટેન્ડ તરફ લઈ જવાને બદલે ગોંડલ ચોકડી તરફ વાળી દીધી હતી. રસ્તામાં અટીકા ફાટક પાસે પહોંચતા એક અવાવરૂૂ જગ્યાએ રિક્ષા ઉભી રાખીને આરોપીઓએ મોહિતના ગળા પાસે છરી રાખી તેના ખિસ્સામાંથી 2 હજાર રૂૂપિયા લૂંટી લીધા હતા. આ લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય આરોપીઓ રિક્ષામાં બેસીને ત્યાંથી ભાગી ગયા હતા, જોકે મોહિતે રિક્ષાના નંબર જોઈ લીધા હતા.
લૂંટની આ ઘટના બાદ મોહિત બીજી રિક્ષામાં બેસીને રેલ્વે સ્ટેશને ગયો હતો અને ત્યાં જઈને સૂઈ ગયો હતો. ત્યાર બાદ તેણે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. રિક્ષાના નંબરના આધારે ભક્તિનગર પોલીસે ત્રણેય આરોપીઓને ઓળખી ઝડપી પાડ્યા હતા.જેમાં કૃણાલ રમેશભાઈ પુરબીયા ( ઉવ 25 રહે. નાડોદાનગર શેરી નંબર4- કોઠારીયા રોડ, રાજકોટ),પરેશ કરમશીભાઈ સોરઠીયા (ઉવ 35 રહે. જનાના હોસ્પિટલ પાસે, પુલ નીચે, રાજકોટ) અને રાજેન્દ્ર ઉર્ફે રાજુ ચંદુભાઈ અગ્રાવત (ઉવ 31 રહે. નરસંગપરા શેરી નં.-2, જૂની કલેક્ટર કચેરી પાછળ, રાજકોટ)નો સમાવેશ થાય છે.રાજેન્દ્ર વિરુદ્ધ અગાઉ એનડીપીએસનો ગુનો અને દારૂૂના ગુના નોંધાઈ ચુક્યા છે.આ કામગીરી ભક્તિનગર પોલીસ મથકમાં પીએસઆઇ એસ.એચ.ગોહિલ,મયુરદાન બાટી, પ્રકાશભાઈ મકવાણા,રવિભાઈ રતનું, નિલેશભાઈ મિયાત્રાએ કરી હતી.
