રાજકોટ શહેર અને જિલ્લામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે શરૂૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાલ આજે બીજા દિવસે પણ યથાવત રહી છે. રાજકોટ શહેર અને જિલ્લાના આશરે સાડા ચારસો જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. કર્મચારી મંડળ દ્વારા સરકાર સમક્ષ લાંબા સમયથી પડતર રહેલી વિવિધ 15 જેટલી માંગણીઓ રજૂ કરવામાં આવી છે.હડતાલના બીજા દિવસે કર્મચારીઓએ કલેક્ટર કચેરી પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓના જણાવ્યા મુજબ, તેમની માંગણીઓ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી યોગ્ય ઉકેલ ન આવતા અંતે આંદોલનાત્મક માર્ગ અપનાવવાની ફરજ પડી છે.
કર્મચારીઓનું કહેવું છે કે મહેસૂલ વિભાગમાં વહીવટી કામગીરીનું ભારણ સતત વધી રહ્યું છે. વધતા કામના ભારણને કારણે કર્મચારીઓને સતત માનસિક તાણનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત કર્મચારીઓની બદલીની નીતિ અને પ્રક્રિયામાં પણ અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, લાંબા સમયથી વિવિધ પ્રશ્નો અંગે સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં કર્મચારીઓમાં અસંતોષ વધ્યો હતો. હવે અચોક્કસ મુદતની હડતાલ શરૂૂ કરવામાં આવી છે.
હડતાલને બે દિવસ પૂર્ણ થયા હોવા છતાં હજુ સુધી રાજ્ય સરકાર અથવા વહીવટી તંત્ર દ્વારા કર્મચારી મંડળને સત્તાવાર રીતે વાટાઘાટો કે ચર્ચા માટે બોલાવવામાં આવ્યું નથી. જેના કારણે કર્મચારીઓમાં રોષ અને અસંતોષ વધુ જોવા મળી રહ્યો છે. કર્મચારી મંડળનું કહેવું છે કે સરકાર દ્વારા તેમની માંગણીઓ અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવે અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.મહેસૂલ વિભાગ સીધી રીતે નાગરિકોના રોજિંદા વહીવટી કામકાજ સાથે સંકળાયેલો મહત્વપૂર્ણ વિભાગ છે. કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલને કારણે વિવિધ કચેરીઓની દૈનિક કામગીરી પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર, જમીન રજીસ્ટ્રેશન સહિતની વિવિધ દસ્તાવેજી અને વહીવટી કામગીરી માટે કચેરીએ આવતા નાગરિકો તથા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હડતાલ લાંબી ચાલે તો નાગરિકોને પડતી મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ કર્મચારીઓએ પણ સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓના વહેલી તકે નિરાકરણની માંગ કરી છે.હવે સરકાર દ્વારા કર્મચારી મંડળ સાથે ક્યારે ચર્ચા શરૂૂ કરવામાં આવે છે અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. જો આગામી દિવસોમાં હકારાત્મક કાર્યવાહી નહીં થાય અથવા મંત્રણા શરૂૂ નહીં કરવામાં આવે, તો મહેસૂલ વિભાગના કર્મચારીઓનું આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
