વિજયભાઇ તોગડિયાની જમીનના ધોરિયામાંથી જેસીબી વડે માટી કાઢી ખેડૂત પોતાની જમીનમાં નાખતા હતા
રાજકોટના હોડથલી ગામની સીમમાં એડવોકેટ પર સેઢા પાડોશી ખેડૂતે હિંચકારો હુમલો કરતાં આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.પ્રૌઢ વકીલની પત્નીની માલિકીની જમીનમાં આવેલ ધોરીયામાંથી આરોપી માટી કાઢી શખ્સે દાદાગીરી કરી હતી.
બનાવની વધુ વિગતો મુજબ,નાના મવા મેઈન રોડ પર ફૂલવાડી પાર્કમાં રહેતાં વિજયભાઇ રવજીભાઇ તોગડીયા (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઘનશ્યામ કરશન હુંબલ(રહે. ઉમરાળી,રાજકોટ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ વકીલાત કરે છે. તેઓના પત્નિ વર્ષાબેનની માલિકી અને કબજા ભોગવટાની ખેતીની જમીન રાજકોટના હોડથલીનાં રેવન્યુ સર્વે નંબર.62/1 પૈકી 2 થી આવેલ છે.
તેઓનું મુળ વતન હોડથલી ગામ જ હોય જેથી ગામમાં દર વર્ષે બાલવી માતાજીની તિથી હોય જેથી ગઈ તા.22 ના સવારના સાડા નવેક વાગ્યા આસપાસ તેઓ પરીવાર સાથે હોડથલી ગામ ખાતે ગયેલ હતા. ત્યારે ગામના લોકોએ વાત કરેલ કે, તમારી જમીનમાં જેસીબી તથા ટ્રેકટરથી માટી કાઢે છે.
જેથી તેઓ બીજી વાડીના ખેડુત વિનોદભાઈ તોગડીયાને સાથે લઇને ખેતરે પહોંચેલ ત્યારે બાજુમા આવેલ જમીનના માલીક ઘનશ્યામ હુંબલ ની માલીકીની ગામ ઉમરાળીના રેવન્યુ સર્વે નંબર 195 પૈકી 3 ની જમીન આવેલ હોય તેઓ ફરીયાદીની જમીનના પાણીનાં ધોરીયામાંથી જેસીબી તથા ટ્રેકટરોની મદદથી તેમની જમીનમાં માટી નાખતા હોય જેથી તેઓને કહેલ કે, આ જમીન અમારી માલીકીની છે, તમે અમારી જમીનમાંથી કેમ પાણીનાં ધોરીયામાંથી માટી કાઢો છો, તેમ કહેતા આ ઘનશ્યામ હુંબલ એકદમ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી તથા બેફામ ગાળો બોલવા લાગેલ હતો.
જેથી ગાળો બોલવાની ના પાડેલ તો ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને કહેલ કે, જો તું આ જમીનમાં પગ મુકીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી. આ ઘટનામાં ફરીયાદી વિજયભાઇ રેવન્યુ બારના સેક્રેટરી હોવાનું જાણવા મળ્યું છે.
