એકની હાલત ગંભીર, ટોળું મારવા આવતા સ્વબચાવમાં ફાયરિંગ, સુરતના પલસાણાની ઘટના
સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં જાણે કે કોઈને પોલીસ અને કાયદાનો ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે. સુરતના પલસાણામાં જાહેરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે.
સુરતમાં પલસાણાના તુંડી ગામે ફાયરિંગની ઘટના બનવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકેશ સોસાયટીમાં ગત મોડી રાત્રે ક્રિકેટની રમત માટે બબાલ થઈ હતી. વિકાસ નામના યુવકનો અન્ય લોકો સાથે ક્રિકેટમાં ઝઘડો થયો હતો. વિકાસ ટીએસએસ સિક્યુરિટી એજન્સી ચલાવતા એક્સ આર્મી મેનનો પુત્ર છે.ક્રિકેટમાં ઝઘડાની ઘટના બનતા ત્યાંના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા.અને બધા ભેગા મળી વિકાસના બંગલોઝમાં તેને મારવા માટે પહોંચ્યા હતા. વિકાસ લોકોનુ ટોળુ જોઈ ગભરાઈ ગયો હતો. વિકાસે લોકટોળું જોઈ સ્વબચાવ માટે પોતાના પિતાની સિક્યોરિટી સર્વિસની બારા બોર બંદુકથી અંધાધુંધ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરતા લોકટોળામાં ભાગદોડ મચી જવા પામી હતી. આ ઘટનામાં 2 મહિલા અને 2 પુરૂૂષો એમ કુલ ચાર લોકો ઘાયલ થયા છે. જે પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરિંગની ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો છે.
ફાયરિંગની ઘટનાની જાણ પોલીસને થતા પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ફાયરિંગને પગલે ડી.વાય.એસ.પી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરિંગમાં ઇજા પામેલા લોકોને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ પલસાણા પોલીસે આગળની તપાસ હાથ ઘરી છે.
