મુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મચારી હરિચંદ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્ય વિજયસિંહ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.…

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મચારી હરિચંદ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્ય વિજયસિંહ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન નિવૃત્ત પોલીસ કર્મીએ ઉશ્કેરાઈને ફાયરિંગ કર્યું હતું. જેથી સત્ય વિજયસિંહના પગમાં ગોળી વાગી હતી. જેને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં ફાયરિંગ કરી નાશી છૂટેલા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવ અંગે મુળીના લીમલીપા ગામના સત્યવીજયસિંહ રાજેન્દ્રસિંહ પરમારે મુળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મુજબ સત્યવીજયસિંહ પોતાની ગાડી લઈને બજારમાંથી ઘરે જતા હતા, ત્યારે સામેથી હરીચંદ્રસિંહ જેઠુભા પરમાર મોટર સાયકલ લઇ આવી રહ્યા હતા. આ દરમિયાન સત્યવીજયસિંહની ગાડી સાઈડમાં હોય છતા હરીચંદ્રસિંહે સાઈડમાં ચલાવવા બાબતે સત્યવીજયસિંહ સાથે બોલાચાલી કરી હતી. જોકે, હરિચંદ્રસિંહ પરમાર સાથે કોઈ માથાકુટ કર્યાં વગર સત્યવીજયસિંહ ગાડી સાઇડમાં દબાવીને ત્યાથી નીકળી ગયા હતા. ત્યારે શું હોશીયારી કરતો હતો અને ગાડી કેમ સાઇડમાં નહતો લેતો.

તેમ કહી ઓફીસમાંથી ધારીયુ કાઢી સત્યવીજયસિંહને કહ્યું કે, તારી રેકી ચાલુ છે તુ ધ્યાન રાખજે તને મારી નાખવાનો છે તેમ ધમકી આપી, છતા સત્યવીજયસિંહ ત્યાથી નીકળી ઘરે જતા રહ્યાં હતા. તા. 25/1/2026ના રોજ સાંજે મુળી મેઈન બજારમાં સત્ય વીજયસિંહ, છત્રસિંહ મહીપતસિંહ પરમાર, દિગ્વીજયસિંહ અભેસિંહ પરમાર, મીતરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર તેમજ રાજદીપસિંહ તખતસિંહ પરમાર વગેરે બેઠા હતા. તે દરમિયાન આ હરીચંદ્રસિંહ પરમાર બાઈક લઈને આવ્યાં હતા. તેઓએ સત્ય વીજયસિંહને ઈશારો કરી પોતાની પાસે બોલાવી અગાઉનો ખાર રાખી બોલાચાલી કરવા લાગ્યા હતા તેમજ અપશબ્દો પણ બોલવા લાગ્યા હતા.

સત્યવીજયસિંહે મારો શું વાક છે તેમ કહેતા જ હરીચંદ્રસિંહ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને પોતાના પેન્ટના ખીસ્સામાથી લોખંડની હાથકડી કાઢી સત્યવીજયસિંહને મારી દીધી હતી. તે દરમિયાન છત્રસિંહ પરમાર વચ્ચે પડી છોડાવવા જતાં હરીચંદ્રસિંહએ છત્રસિંહને ધક્કો મારી પાડી દીધા હતા. જે બાદ પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢી સત્યવીજયસિંહની પાછળ દોડ્યા હતા. સત્યવીજયસિંહને મારી નાખવા પ્રથમ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે ગોળી સત્યવીજયસિંહના માથા પાસેથી નીકળી ગઈ હતી.

સત્યવીજયસિંહ બચવા માટે દુકાનની અંદરની સીડી ઉપર ચડતા હતા, ત્યારે ફરી ફાયરિંગ કરતા સત્યવીજયસિંહના ડાબા પગમાં ગોળી વાગી હતી. જેથી તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ દરમ્યાન દુકાનની અંદર સત્યવીજયસિંહના બધા મિત્રો આવી જતા સત્યવીજયસિંહને છોડાવ્યો હતો. જ્યારે ફાયરિંગ કરનાર હરીચંદ્રસિંહ ત્યાંથી જતો રહ્યો હતો.બીજી તરફ સત્યવીજયસિંહને મુળી સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા ડોક્ટરે પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પીટલ ખાતે રીફર કરાયો હતો. જ્યાં સત્યવીજયસિંહના ડાબા પગના ઢીચણથી નીચેના ભાગે ઓપરેશન કરી ગોળી બહાર કાઢી હતી. આ બનાવ અંગે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *