વાંકાનેર ચોકડીએ ઉઘરાણા, તાલુકા ભાજપ દ્વારા પોલીસ કમિશનરને આવેદન અપાયું
રાજકોટની ભાગોળે આવેલા વિસ્તારોમાં પોલીસતંત્રની હેરાનગતી સામે ભાજપમાં જ અવાજ ઉઠી રહ્યો છે. થોડા દિવસ પહેલા આજીડેમ ચોકડી સહીત ભાવનગર રોડ ઉપર વાહન ચાલકોને પોલીસ દ્વારા થતી હેરાનગતી અને ઉઘરાણા સામે ભાજપ સમર્થીત સરપંચોએ મોરચો ખોલી પોઇન્ટ બંધ કરાવ્યા બાદ હવે ખુદ રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ કેયુર ઢોલરીયાએ પણ કુવાડવા રોડ ઉપર વાહન ચાલકોને પોલીસ દ્વારા થતી હેરાનગતી અંગે પોલીસ કમિશનરને લેખીત ફરીયાદ કરી છે. આજે તાલુકા ભાજપ પ્રમુખ કેયુર ઢોલરીયાની આગેવાનીમાં લોકોએ પોલીસ કમિશનર સમક્ષ લેખીત રજુઆત કરી હતી.
રજુઆતમાં જણાવ્યું છે કે આપના રાજકોટ શહેર પોલીસની હદમાં આવતા કુવાડવા વાંકાનેર ચોકડી ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગના નામે ઉઘરાણા કરવામાં આવે છે. સામાન્ય લોકો, મજુરો, ખેડૂતો સામાન્ય કામ બાબતે તથા દવાખાના બાબતે આવવા જવા માટે ગભરાય છે. ટ્રાફીકના નામે સામાન્ય લોકોને પૈસા ઉઘરાણા કરી હેરાન કરવામાં આવે છે. એ શેડ પર રાજકોટ તાલુકાના 30 ગામનાં નાના લોકોને મજુરી કામ માટે રાજકોટ આવતા હોય જેમને અવાર નવાર હેરાન કરે છે. તેમજ આના કારણે ટ્રાફીક જામ થાય છે. તેમજ સર્વિસ રોડ સાવ ટુંકો હોય તો ટ્રાફીક પોઇન્ટ ચાલુ રાખીઉઘરાણા બંધ કરવા વિનંતી છે.
આ માટે અવાર નવાર ચૂંટાયેલા પ્રતિનિધી, સરપંચો, ગ્રામજનો દ્વારા રજુઆત કરેલ છે. જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. આ બાબતે તાલુકા ભાજપ સંગઠન તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય,આગેવાનો દ્વારા આવેદન આપેલ છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી નહી થાય તો આગામી દિવસોમા ગ્રામજનો, આગેવાનો, સરપંચો દ્વારા ગાંધી સીંધીયા માર્ગે આંદોલન કરવામાં આવશે.
