રામનવમી: કર્તવ્ય, ધીરજ અને સત્યનો ઉજાસ

રામનવમી એ એક એવો પવિત્ર તહેવાર છે જ્યાં સદીઓથી વહેતી આપણી આસ્થા, શ્રીરામના મૂલ્યો, સિદ્ધાંતો અને સંસ્કારો ફરી જીવંત થઈ ઉઠે છે. ઉપરાંત શ્રીરામના ચરિત્ર…

રામનવમી એ એક એવો પવિત્ર તહેવાર છે જ્યાં સદીઓથી વહેતી આપણી આસ્થા, શ્રીરામના મૂલ્યો, સિદ્ધાંતો અને સંસ્કારો ફરી જીવંત થઈ ઉઠે છે. ઉપરાંત શ્રીરામના ચરિત્ર પરથી એટલું જરૂૂર સમજાવે છે કે, “હા સત્યનો માર્ગ ખૂબ જ લાંબો હોય, મુશ્કેલ હોય, પણ અંતે વિજય તો સત્યનો જ થાય છે.” આજે મોટાભાગે માણસો ઝડપથી આગળ વધવા નૈતિક મૂલ્યોને પાછળ ધકેલે છે ત્યારે સમાજનું અધ:પતન નક્કી હોય છે. શ્રીરામના આદર્શ મૂલ્યો શીખવે છે કે, “પરિવાર સાથેના બંધન, સંબંધોમાં માન, સમાજ માટેની જવાબદારી તેમજ સંસ્કાર માટેનું સમર્પણ આ બધું જ મજબૂત રાષ્ટ્ર્ર કે સમાજની સાચી ઓળખ છે.”

શ્રીરામનું જીવન કોઈ ચમત્કારોથી ભરેલું નહોતું, પરંતુ ધર્મ, કર્તવ્ય, નમ્રતા અને સત્યની અડગતાથી ભારોભાર ભરેલું હતું. આજના યુગમાં આદર્શ મૂલ્યો ખૂટવા લાગ્યા છે. પરિણામે ચારેકોર બેફામ ભ્રષ્ટાચાર, અનીતિ, દગાખોરી, છેતરપિંડી અને સરકારી કામોમાં પૈસાને જ પ્રાધાન્ય આપવું જેવી અનેક ગેરવર્તણૂકથી સામાન્ય જનતા આજે ગરીબીમાંથી ઊભી થઈ શકે તેમ જ નથી. ભગવાન શ્રીરામના આદર્શોને જીવનમાં જો થોડાં પણ અપનાવીએ તો જીવન માત્ર બદલાશે નહીં, પણ આખો સમાજ સંસ્કારી થશે. ખેર, વાતો તો ઘણાં કરી જાણ્યા, પણ જીવનમાં અપનાવનાર જૂજ માણસો જ હશે. આવાં જૂજ માણસોનાં આદર્શથી જ દેશ ટકી રહેતો હોય છે.

આજે સૌ માટે રામનવમી સૌથી ખાસ તહેવાર બન્યો છે. કારણકે સદીઓની આશા અને વિશ્વાસ પછી અંતે અયોધ્યા રામમંદિરનો પ્રકાશ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. સદીઓ સુધી આક્રમણો, શાસન પરિવર્તન, રાજકીય અનેક વિવાદો અને કાનૂની લડાઈઓ વચ્ચે અયોધ્યા મંદિરનું સ્વપ્ન અધૂરું જ રહ્યું. જે આજે ક્યારેય ના મિટાય એવો ભરપૂર વિશ્વાસ, લાખો, કરોડો લોકોની પ્રાર્થના અને ધીરજની અમર પરીક્ષા, આ બધું મળીને આજે અયોધ્યા ફરી રામમય બની છે. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયનાં ઐતિહાસિક નિર્ણયોના પરિણામે 2020માં આધારશિલા મૂકી અને 2024માં ગૌરવપૂર્વક મંદિર પરિપૂર્ણ બન્યું. આ મંદિર એ જ યાદ અપાવે છે કે, “સત્યને રોકી જરૂૂર શકાય છે, પણ હરાવી શકાતું નથી.” સત્યનાં પંથે ચાલનાર ક્યારેય હારતો નથી.

આપણાં માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ સદીઓનું અધૂરું અને અઘરું સપનું 2024માં પૂરું કર્યું. ભારત દેશને આવા નેતાઓની તાતી જરૂૂર છે. જે પોતાનાં ખિસ્સા માટે જ નહીં, પણ લોકકલ્યાણ માટે પણ જીવે છે. નેતા કોઈપણ પક્ષનાં હોય જો મનથી મક્કમ બને તો ભારતને ફરી બેઠો કરતા જરાપણ સમય લાગે તેમ નથી. આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓ ભારતને મળવા ખૂબ મુશ્કેલ છે. કારણકે દરેક નેતાઓને દેશ કરતા પોતાનું ઘર કે પરિવાર પહેલાં આવે છે. પરિણામે ભ્રષ્ટાચારી ચારેકોર ફેલાયેલી જ રહેશે. આજે અયોધ્યા મંદિર તો બની ગયું, હવે શ્રીરામને આપણાં મનમાં સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે.

આજના યુવાનો માટે ખાસ રામનવમીની શિક્ષા અમૂલ્ય છે. જીવનમાં હંમેશા લક્ષ્ય મોટું રાખો, માર્ગ કઠિન ભલે હોય સદા ચાલતાં રહો. ઈર્ષ્યા, અદેખાઈ, ક્રોધ કે અહંકારને જીતવા માટે રામ જેવી ધીરજ અને શાંતિ અપનાવો. સૌથી ખાસ પરિવાર, સંબંધો અને સમાજ પ્રત્યેની તમામ જવાબદારીઓ નિભાવો. આજે બાળકોને પરિવારથી પહેલાં મિત્રો અને સોશિયલ મીડિયા મોખરે છે. પરિવારથી દૂર ચાલવા લાગ્યો છે. પરિણામે સંસ્કારોના બીજ જે પરિવારથી જ રોપાય ત્યાં ઉણપ વર્તાવા લાગી છે.

અંતે, જો દરેક મનુષ્યોના વિચારોમાં સત્ય, વાણીમાં નમ્રતા, વ્યવહારમાં મર્યાદા અને હૃદયમાં કરૂણા ભારોભાર છલકાશે ત્યારે જ જીવન રામમય બનશે. શ્રીરામને આપણી અંદર જગાડીએ, ધીરજ શીખીએ, ન્યાય માટે અવાજ ઉઠાવીએ તેમજ જીવનમાં પ્રકાશ તરફ સતત આગળ વધતા રહીએ. અયોધ્યા મંદિરનું પુન:નિર્માણ જે રીતે અખંડ ભાવના અને સહનશીલતાનું પ્રતિક બન્યું, તે રીતે આપણે પણ પોતાના સપનાઓને સાચવીએ, ખૂબ ખંતપૂર્વક ઉંચાઈ પર લઈ જઈએ અને જીવનમાં વિજ્યાદસમીના દિવસનું સર્જન કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *