બ્રુસ લી સાથેની મિત્રતાના કારણે સિનેમા જગતમાં એન્ટ્રી થઈ હતી
માર્શલ આર્ટ્સ ગ્રાન્ડમાસ્ટર અને ’વોકર, ટેક્સાસ રેન્જર’ જેવી લોકપ્રિય ટેલિવિઝન સિરીઝ દ્વારા વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર એક્શન સ્ટાર ચક નોરિસનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારે આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ગુરુવારે તેમનું નિધન થયું છે.
10 માર્ચ, 1940ના રોજ ઓક્લાહોમામાં જન્મેલા કાર્લોસ રે નોરિસ (ચક નોરિસ) એ અમેરિકી એરફોર્સમાં સેવા દરમિયાન કોરિયામાં માર્શલ આર્ટ્સની તાલીમ શરૂૂ કરી હતી. તેઓ સતત છ વખત વર્લ્ડ પ્રોફેશનલ મિડલવેટ કરાટે ચેમ્પિયન રહ્યા હતા. સિનેમા જગતમાં તેમની એન્ટ્રી બ્રુસ લી સાથેની મિત્રતાને કારણે થઈ હતી. 1972ની ફિલ્મ ‘રિટર્ન ઓફ ધ ડ્રેગન’માં બ્રુસ લી સામેના તેમના આઇકોનિક ફાઇટ સીન આજે પણ યાદ કરવામાં આવે છે.
ચક નોરિસ માત્ર ફિલ્મો પૂરતા મર્યાદિત નહોતા, પરંતુ તેઓ ઇન્ટરનેટ પર એક ‘સુપરહ્યુમન’ તરીકે પણ ફેમસ હતા. ચક નોરિસે સૂર્ય સાથે સ્પર્ધા કરી અને તે જીતી ગયા જેવા અસંખ્ય હાઇપરબોલિક મીમ્સ વર્ષો સુધી વાયરલ થયા હતા. તેમણે પોતે પણ આ મજાકને હકારાત્મક રીતે સ્વીકારી હતી અને તેના પર એક પુસ્તક પણ લખ્યું હતું. ચક નોરિસ તેમના ખ્રિસ્તી મૂલ્યો અને રાજકીય સક્રિયતા માટે પણ જાણીતા હતા. તેમણે ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ સાથે મળીને બાળકોને માર્શલ આર્ટ્સની તાલીમ આપવા માટે એક નોન-પ્રોફિટ સંસ્થાની સ્થાપના કરી હતી. તાજેતરમાં જ તેમણે તેમના 86મા જન્મદિવસે એક સ્પારિંગ (પ્રેક્ટિસ) વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, હું ઘરડો નથી થતો, હું લેવલ અપ કરું છું. તેમના નિધનથી હોલીવુડ અને રમત જગતે એક સાચો એક્શન હીરો અને નૈતિક મૂલ્યો ધરાવતો માણસ ગુમાવ્યો છે. તેમના પરિવારમાં તેમની પત્ની જેની નોરિસ અને પાંચ બાળકો છે.
