ભારત-અમેરિકા વચ્ચે વણસી રહેલા સંબંધોની અસર વ્યાપાર- ઉદ્યોગ ઉપર પડી રહી છે. અમેરિકા વિવિધ બહાના હેઠળ ભારતથી થતી આયાતો બંધ અથવા નિયંત્રીત કરવા અલગ અલગ તરકીબો અજમાવી રહ્યું છે. તેનો રેલો હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. તેમાંય ખાસ કરીને રાજકોટની આગવી ઓળખ સમાન પંપ ઉદ્યોગ સુધી પહોંચ્યો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકારે ગુજરાતમાંથી આયાત થતા પંપ ચીની બનાવટના હોવાનો અને ગુજરાતમાં માત્ર માર્કા મારીને અમેરિકામાં નિકાસ કરાતા હોવાનો રિપોર્ટ આપી લાલબતી ધરી છે અને ઉંચા ટેરીફ લાદવા ભલામણ કરી છે.
અમેરિકાએ ચીનને ઊંચા ટેરિફથી બચાવવા માટે માલની પુન:રૂૂટિંગ કરતા શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્કમાં ભારત સહિત 40થી વધુ દેશોના નામ લીધા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ વેપાર સલાહકાર પીટર નવારો દ્વારા બહાર પાડવામાં આવેલી રિપોર્ટ ‘ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ’માં ગુજરાતના મેન્યુફેક્ચરિંગ બેલ્ટને સીધું નિશાન બનાવવામાં આવ્યું છે.
રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભારતનો પુણે-ગુજરાત-ચેન્નાઈ મેન્યુફેક્ચરિંગ બેલ્ટ ચીની બનાવટના પંપ અને કોમ્પ્રેસર જેવા માલ ઉપાડી રહ્યો છે. આ માલ અમેરિકાના સિન્સિનાટી, ડેટન અને કોલંબસની સપ્લાય ચેઇનને અસર કરે છે. આમ અમેરિકાના નવા ટેરિફ ક્રેકડાઉનમાં ગુજરાતનું ઔદ્યોગિક કોરિડોર સીધા નિશાને આવ્યું છે.
રિપોર્ટમાં જણાવાયુ છે કે, ચીની માલને ત્રીજા દેશોમાં હળવી પ્રોસેસિંગ, રિલેબલિંગ, રિપેકેજિંગ કે રૂૂટ બદલીને મોકલવામાં આવે છે. આથી માલનું મૂળ દેશ બદલાયેલું દેખાય છે, જ્યારે તે મુખ્યત્વે ચીની જ રહે છે.
2018માં ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન પર સેક્શન 301 ટેરિફ લાગુ કર્યા બાદ આ પ્રથા વધુ વ્યાપક બની છે. ત્રીજા દેશો દ્વારા રીડાયરેક્ટ થતા માલની વાર્ષિક કિંમત 40 અબજથી 303 અબજ ડોલર જેટલી હોવાનો અંદાજ છે.
નવારોના જણાવ્યા અનુસાર આ નેટવર્કમાં મેક્સિકો, કેનેડા, યુરોપિયન યુનિયન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત અમેરિકાના મોટા વેપારી ભાગીદારોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે કોમ્યુનિસ્ટ ચીન 40થી વધુ દેશો દ્વારા પોતાના નિકાસ માલને લોન્ડર કરી રહ્યું છે.
સરહદે એઆઇ ડિટેક્ટિવ સિસ્ટમ મુકાશે
અમેરિકા હવે ડિટેક્ટિવ બોર્ડર નામની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ લાવવાની યોજના ધરાવે છે. આ સિસ્ટમ શિપમેન્ટ રેકોર્ડ, રૂૂટિંગ ઇતિહાસ, પ્રોડક્ટ ક્લાસિફિકેશન, માલિકીના સંબંધો અને કોમ્પ્યુટર વિઝનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પાસ-થ્રુ ટ્રેડને ઓળખશે. તેનો હેતુ ડ્યૂટી વસૂલાત, દંડ અને એક્સક્લુઝન ઓર્ડર જેવા પગલાં લેવાનો છે.
