ધર્મસ્થળોની ફેક વેબસાઇટ બનાવી ભક્તો સાથે ઠગાઇ કરતી ગેંગ ઝડપાઇ

ધાર્મિક સ્થળોની મુલાકાત, દર્શન, પૂજા, દાન કે અન્ય ધાર્મિક સેવાઓ માટે લોકો ઓનલાઈન માહિતી મેળવતા હોય છે. પરંતુ આ જ વિશ્વાસનો લાભ ઉઠાવીને સાયબર ઠગોએ…

ધાર્મિક સ્થળોની મુલાકાત, દર્શન, પૂજા, દાન કે અન્ય ધાર્મિક સેવાઓ માટે લોકો ઓનલાઈન માહિતી મેળવતા હોય છે. પરંતુ આ જ વિશ્વાસનો લાભ ઉઠાવીને સાયબર ઠગોએ દેશભરમાં મોટી છેતરપિંડીનું નેટવર્ક ઊભું કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમ પોલીસે દેશના અલગ-અલગ ધાર્મિક સ્થળોના નામે બનાવવામાં આવેલી 126 જેટલી નકલી વેબસાઈટ અને પોર્ટલ સાથે જોડાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ નકલી વેબસાઈટોના માધ્યમથી ભારતના 21,985 નાગરિકોને છેતરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

પોલીસની કાર્યવાહી બાદ સામે આવેલી વિગતો અનુસાર, આ સમગ્ર નેટવર્ક માત્ર એકાદ વેબસાઈટ પૂરતું મર્યાદિત નહોતું. આરોપીઓએ અલગ-અલગ ધાર્મિક સ્થળો અને મંદિરોના નામનો ઉપયોગ કરીને વિશ્વસનીય દેખાતી વેબસાઈટો તૈયાર કરી હતી. આ વેબસાઈટોનો ઉપયોગ લોકો પાસેથી વિવિધ પ્રકારની ઓનલાઈન સેવાઓના નામે નાણાં મેળવવા અથવા તેમની સાથે છેતરપિંડી કરવા માટે કરવામાં આવતો હોવાની તપાસ ચાલી રહી છે. આ ગેંગ સામે અત્યારસુધીમાં આશરે 70 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર કેસમાં ગુજરાત માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે 126 નકલી વેબસાઈટોમાંથી આશરે 40 વેબસાઈટ ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળોના નામ સાથે જોડાયેલી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

એટલે દેશવ્યાપી નેટવર્ક હોવા છતાં ગુજરાતના ધાર્મિક સ્થળોના નામનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સારંગપુરના નામે જ આઠ જેટલી નકલી વેબસાઈટ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત સોમનાથ, દ્વારકા, પાલીતાણા, જૂનાગઢ અને ગાંધીનગર જેવા મહત્વપૂર્ણ ધાર્મિક તથા પ્રવાસન સ્થળોના નામનો ઉપયોગ કરીને પણ નકલી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યા હતા. ધાર્મિક સ્થળોના સત્તાવાર પોર્ટલ જેવી જ દેખાતી વેબસાઈટ બનાવીને સામાન્ય લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આ પ્રકારની વેબસાઈટ જોવામાં સત્તાવાર લાગે તો સામાન્ય વ્યક્તિ માટે તે અસલી છે કે નકલી તે ઓળખવું મુશ્કેલ બની શકે છે.

આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર દિલ્હીના એક આરોપીએ કોમ્પ્યુટર સાયન્સમાં બી.ટેકનો અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિકી ગુપ્તા પોતાના ઘરેથી જ સમગ્ર વેબસાઈટ નેટવર્કનું સંચાલન કરતો હોવાનો પોલીસનો દાવો છે. વેબસાઈટ તૈયાર કરવાથી લઈને તેને ચલાવવા અને જરૂૂરી ફેરફારો કરવા સુધીની કામગીરી ઘરેથી કરવામાં આવતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. બીજા આરોપી શૈલેષ સૈનીની રાજસ્થાનના ભરતપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓની ભૂમિકા, તેમની વચ્ચેનું નેટવર્ક અને નકલી વેબસાઈટો માટે જરૂૂરી ડોમેઈન તથા અન્ય ડિજિટલ માળખું કેવી રીતે મેળવવામાં આવતું હતું તેની તપાસ હાલ ચાલી રહી છે. પોલીસે આ કેસમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી છે.

આ કેસમાં સૌથી મોટો સવાલ એ છે કે 126 વેબસાઈટ માટે ડોમેઈન કોણે ખરીદ્યા હતા, તે કોના નામે નોંધાયેલા હતા અને ત્યારબાદ આ વેબસાઈટો આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી. આ દિશામાં તપાસ કરવા માટે પોલીસની બે ટીમો હજુ ગુજરાતની બહાર કામગીરી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એ પણ કરી રહી છે કે નકલી વેબસાઈટોના નેટવર્કમાં માત્ર ધરપકડ કરાયેલા બે આરોપીઓ જ સામેલ હતા કે પછી તેની પાછળ મોટું સંગઠિત નેટવર્ક કાર્યરત હતું. વેબસાઈટની ડિઝાઇન, ડોમેઈન રજિસ્ટ્રેશન, સર્વર, પેમેન્ટ ગેટવે અને નાણાકીય વ્યવહારો સુધીની કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો વધુ લોકોની સંડોવણી બહાર આવશે તો આગામી દિવસોમાં વધુ ધરપકડ થઈ શકે છે.

આઠ માસથી આ કારસ્તાન ચાલતુ, વારંવાર ડોમેઇન બદલી નાખતા
તપાસમાં એક મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે આરોપીઓ લાંબા સમય સુધી એક જ ડોમેઈનનો ઉપયોગ કરતા નહોતા. આશરે આઠ મહિનાથી આ પ્રકારની ગતિવિધિ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ સમયાંતરે ડોમેઈન બદલી નાખતા હતા. આમ, કોઈ વેબસાઈટ શંકાસ્પદ જણાય અથવા તેના અંગે ફરિયાદ થાય તો તરત જ નવી વેબસાઈટ ઊભી કરીને નેટવર્ક ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની આશંકા છે. આ સમગ્ર કામગીરીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે અઈંનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. અઈં આધારિત સાધનોની મદદથી વેબસાઈટની સામગ્રી, ડિઝાઇન અથવા અન્ય ડિજિટલ સામગ્રી તૈયાર કરવામાં આવી હોવાની શક્યતા અંગે તપાસ ચાલી રહી છે. જોકે અઈંનો ચોક્કસ ઉપયોગ કઈ રીતે કરવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈ ટેક્નિકલ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે પોલીસની તપાસ હજુ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *