પ્રથમ ટર્મમાં અનુ.જાતિ માટે મેયરપદ અનામત, બે વોર્ડમાં અનામત બેઠક હોવાથી ચૂૂંટણી પહેલાં ચિત્ર સ્પષ્ટ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂટાયેલ પાંખની પાંચ વર્ષની મુદત આગામી 11મી માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. સંભવત એપ્રિલ માસના અંતમાં કે મેં માસના પ્રથમ પખવાડિયામાં ચૂંટણી યોજાઈ તેવી સંભાવના હાલ દેખાય રહી છે.
રાજકોટમાં હવે પછી મેયરપદ માટેની પ્રથમ અઢી વર્ષની ટર્મ જનરલ કેટેગરીના પુરુષ કોર્પોરેટર માટે જ્યારે બીજી અઢી વર્ષની ટર્મ અનુસૂચિત જાતિના મહિલા કોર્પોરેટર માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટના હવે નવા મહિલા મેયર વોર્ડ નં.2 અથવા વોર્ડ નં.6 માંથી જ આવશે તે ફાઈનલ જેવું લાગી રહ્યુ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં 27% ઓબીસી અનામતની અમલવારી કરવામાં આવનાર છે.શહેરના તમામ વોર્ડમાં ચાર પૈકી ઓબીસી કેટેગરી માટે એક-એક બેઠક અનામત જાહેર કરવામાં આવી છે.એકમાત્ર વોર્ડ નં.15 માં ઓબીસી સમાજ માટે બે બેઠકો અનામત જાહેર કરાય છે.
મેયર રોટેશન પર નજર કરવામાં આવે તો નવી બોડીમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ મેયર પદ માટે જનરલ કેટેગરીના પુરુષ કોર્પોરેટર માટે અનામત જાહેર કરાય છે. જ્યારે બીજા અઢી વર્ષની ટર્મ અનુસૂચિત જાતિના મહિલા નગરસેવિકા માટે અનામત જાહેર કરાય છે. અનુસૂચિત જાતિ માટે કુલ પાંચ બેઠકો અનામત રાખવામાં આવી છે જે પૈકી બે બેઠકો અનુસૂચિત જાતિની મહિલાઓ માટે અને ત્રણ બેઠકો અનુસૂચિત જાતિના પુરુષ માટે અનામત રાખવામાં આવી છે.
વોર્ડ નં.2માં પ્રથમ બેઠક અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત જાહેર કરાય છે. જ્યારે વોર્ડ નં.6માં પ્રથમ બેઠક અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત જાહેર કરવામાં આવી છે.
આમ આ બે બેઠકો જ અનુસૂચિત જાતિની મહિલાઓ માટે અનામત રાખવામાં આવી હોય નવી બોડીની પાછલા અઢી વર્ષ માટે મેયર પદ અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર માટે અનામત હોય વોર્ડ નં.2 કે વોર્ડ નં.6માંથી જ રાજકોટને હવે પછીના મહિલા મેયર મળે તેવું લાગી રહ્યું છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટ ગ્રામ્યના વર્તમાન ધારાસભ્ય ભાનુબેન બાબરીયા હાલ વોર્ડ નં.1ના નગરસેવિકા પણ છે.
ચાલુ બોડીમાં એવું માનવામાં આવતું હતું કે મેયર પદ અનુસૂચિત જાતિના મહિલા કોર્પોરેટર માટે અનામત જાહેર કરવામાં આવશે જેને ધ્યાનમાં રાખી અગાઉ બે વાર ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા ભાનુબેન બાબરીયાને ભાજપે કોર્પોરેશનની ચૂંટણી લડાવી હતી અને વોર્ડ નં.1માંથી અનામત બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા.પરંતુ રોટેશનમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી પુરુષ કેટેગરી માટે અને બીજા અઢી વર્ષની ટર્મ જનરલ કેટેગરીના મહિલા કોર્પોરેટર માટે અનામત જાહેર કરવામાં આવતા હવે આ વખતે અનુસુચિત જાતિ માટે વોર્ડ નં.2 અને 6માં ઉમેદવારને બેઠક ફાળવેલ હોય તે વોર્ડમાં ચૂંટાયેલ મહિલા કોપોરેટર મેયર બનશે.
