5000ની જરૂરિયાત સામે ફકત 2500નો સ્ટાફ, હવે ખાનગી શાળાના સ્ટાફને તાલીમ આપી મેદાનમાં ઉતારાશે
શહેરની વસ્તી ગણતરી માટે મહાનગરપાલિકાએ સ્ટાફની ગોઠવણીનો પ્રારંભ કર્યો છે. પરંતુ તમામ વોર્ડમાં ગણતરી માટે 5000 કર્મચારીઓની જરૂરીયાત હોવા છતા દરેક વિભાગમાંથી ઉછી ઉઘારા કરી તંત્ર માંડ 2500નો સ્ટાફ એકઠો કરતા 50%ની ઘાટી પુરવા માટે હવે ધંધે લાગ્યુ છે અને નિયત સમય મુજબ વસ્તી ગણતરી પુરી થાય તે માટે હવે ખાનગી શાળાના સ્ટાફને તાલીમ આપી મેદાનમાં ઉતારવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. હાલ સ્ટાફના ફાફા હોવાથી તંત્ર મુંજવાણમાં મુકાઇ ગયુ છે.
રાજકોટમાં 20 લાખ લોકોની સામે વસ્તીગણતરી માટે 2500નો સ્ટાફ:50 ટકા ઘટથી અધિકારીઓ મૂંઝાયા, મનપા પ્રાઈવેટ સ્કૂલના સ્ટાફને તાલીમ આપીને મેદાનમાં ઉતારી શકે રાજકોટમાં વસ્તી ગણતરીની કામગીરી આડે મોટું વિઘ્ન સામે આવ્યું છે. આ કામગીરી માટે મનપા તંત્રને 5,000 કર્મચારીઓની જરૂૂરિયાત છે. જેની સામે મનપા તેમજ મનપા સંચાલિત સરકારી શાળાઓ મળી માત્ર 2,500નો સ્ટાફ હાલ ઉપલબ્ધ છે. એટલે જરૂૂરિયાત કરતા અડધો જ સ્ટાફ ઉપલબ્ધ હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે.
ખાસ કરીને વર્ષ 2011 પછી લાંબા સમયના અંતરાલ બાદ 20 એપ્રિલ-2026થી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાથી તેમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે રાજકોટના ભૌગોલિક નકશામાં થયેલા મોટા ફેરફારો અને નવા ભળેલા વિસ્તારોને કારણે કામગીરીનું ભારણ વધ્યું છે. જેની સામે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફની અછતનો ઉભો થયો છે. જેને લઈ ખાનગી શાળાઓના સ્ટાફની મદદ લેવા સહિતના અન્ય પાસાઓ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. રાજકોટ મનપાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા મુજબ, આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં વિભાજિત કરાઈ છે. આ વખતે ગણતરીની પદ્ધતિમાં પેપરવર્કને બદલે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં માત્ર હાઉસ લિસ્ટિંગ કરવામાં આવશે.
આ પછી ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરી કરવામાં આવશે. જેમાં દરેક વ્યક્તિની વિગતવાર માહિતી જેવી કે, ઉંમર, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અને અન્ય જાણકારી એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ વસ્તી ગણતરીનું સાચું પરિણામ સામે આવશે. રાજકોટ મનપા દ્વારા કરવામાં આવેલા માઈક્રો પ્લાનિંગ મુજબ, જેમાં મહાનગરપાલિકાનો પોતાનો સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના શિક્ષકો અને આચાર્યોનો સમાવેશ થાય છે. આમ, જરૂૂરિયાત કરતા 50 ટકા સ્ટાફ ઓછો હોવાને કારણે કામગીરી સમયસર પૂર્ણ થશે કે કેમ તે બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરી એ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની પ્રક્રિયા છે, જો સ્ટાફ ઓછો હોય તો એક કર્મચારી પર કામનું ભારણ વધે છે અને ડેટાની ચોકસાઈ પર પણ તેની અસર પડી શકે છે. આ સ્ટાફની ઘટ પૂરી કરવા માટે હવે મનપા તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.
મનપાનાં ચૂંટણી અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, ઘટતા 2,500 કર્મચારીઓની વ્યવસ્થા કરવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરમાં આવેલી ખાનગી શાળાઓના શિક્ષકો અને બિન-શૈક્ષણિક સ્ટાફને આ સરકારી કામગીરીમાં જોડવા માટે મંજૂરી મેળવવા પ્રક્રિયા ચાલી રહી છે. જો સરકાર તરફથી મંજૂરી મળશે, તો ખાનગી શાળાના સ્ટાફને જરૂૂરી તાલીમ આપીને મેદાનમાં ઉતારવામાં આવશે.
આ સિવાય વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો અને એલઆઈસી જેવી સંસ્થાઓના કર્મચારીઓની સેવાઓ લેવા માટે કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કર્મચારીઓને પણ કામગીરીમાં સામેલ કરવા અંગે વિચારણા ચાલી રહી છે.
