રાજકોટના લોકમેળાને મળશે NDRF – SDRFનું સુરક્ષા ચક્ર

રાજકોટ ખાતે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો દર વર્ષે લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ લોકમેળામાં 10 થી 12 લાખ કે…

રાજકોટ ખાતે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો દર વર્ષે લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ લોકમેળામાં 10 થી 12 લાખ કે તેથી વધુ લોકો મેળો માણવા માટે ઉમટી પડે તેવી સંભાવના છે. આટલી મોટી જનમેદનીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટર અને લોકમેળા સમિતિ દ્વારા લોકમેળાની તમામ વહીવટી અને સુરક્ષા અંગેની તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે.

લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે, ત્યારે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે ભાગદોડ ન મચે તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ વર્ષે મેળામાં લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોને ખાસ સ્ટેન્ડ-બાય રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, મેળા દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન ઘટે અને જો કોઈ ભાગદોડ, વરસાદ કે અન્ય કોઈ આપાતકાલીન ઘટના બને તો તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડી શકાય તે માટે લોકમેળાના સ્થળ પર જ SDRFની ટીમને તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

યાંત્રિકના રાઇડ્સના પ્લોટની હરાજીમાં 25થી 40 ટકા ઉંચા ભાવ
લોકમેળા માટે આજે પૂર્વ મામલતદાર કચેરી ખાતે લોકમેળા સમિતિ દ્વારા યાંત્રિક રાઇડ્સ ગોઠવવા માટેના જુદા જુદા કુલ 33 જેટલા પ્લોટોની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ હરાજી પ્રક્રિયામાં રાઇડ્સના માલિકો અને સંચાલકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહીવટી તંત્ર દ્વારા પ્લોટોને અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. જેમાં કેટેગરી ‘E’ ના 05 પ્લોટ, કેટેગરી ‘F’ ના 03 પ્લોટ, કેટેગરી ‘G’ ના 20 પ્લોટ અને કેટેગરી ‘H’ ના 06 પ્લોટ મળીને કુલ 33 પ્લોટ માટે બોલી લગાવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, યાંત્રિક રાઇડ્સના આ પ્લોટોની હરાજીમાં અપસેટ પ્રાઈઝ કરતા સરેરાશ 25% થી લઈને 40% સુધી વધુ કિંમત મળી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *