શુક્રવારથી લંડનમાં પ્રથમવાર યોજાશે ઐતિહાસિક સંત સંસદ

ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમવાર ભારતીય આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરતો એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આગામી 7થી 14 ઓગસ્ટ…

ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમવાર ભારતીય આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરતો એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આગામી 7થી 14 ઓગસ્ટ દરમિયાન લંડનમાં ભવ્ય સંત સંસદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી જાણીતા સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ વિવિધ ધાર્મિક પરંપરાઓના પ્રતિનિધિઓ એક જ મંચ પર ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને માત્ર ધાર્મિક સંમેલન તરીકે નહીં પરંતુ વિશ્વમાં શાંતિ, સૌહાર્દ, સહઅસ્તિત્વ અને માનવ એકતાનો સંદેશ આપતા આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક મંચ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ભવ્ય સંત સંસદમાં ગુજરાત માટે પણ ગૌરવની ક્ષણ સર્જાવાની છે. ગઢડા સ્થિત શ્રી ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને જાણીતા સંત એસપી સ્વામી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. તેમના સિવાય દેશના અનેક અગ્રણી સંતો, મહામંડલેશ્વરો અને ધાર્મિક આગેવાનો પણ લંડનમાં યોજાનારા આ ઐતિહાસિક સંમેલનમાં ભાગ લેશે. વિવિધ ધાર્મિક પરંપરાઓના પ્રતિનિધિઓની હાજરી આ કાર્યક્રમને વધુ વિશિષ્ટ અને વૈશ્વિક મહત્વ આપશે.
લંડનમાં યોજાનારી આ સંત સંસદનું આયોજન ધ નેશનલ શક્તિ કેન્દ્રની 25મી વર્ષગાંઠ નિમિતે કરવામાં આવ્યું છે. સંસ્થાની રજત જયંતિની ઉજવણીના ભાગરૂૂપે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક મૂલ્યો અને જીવનદર્શનને વૈશ્વિક સમાજ સમક્ષ રજૂ કરવાનો છે.

આઠ દિવસ સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિષયો પર પ્રવચનો, સંવાદ અને વિચારમંથન યોજાશે. આ આયોજનમાં માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી મર્યાદા નહીં રહે, પરંતુ આધુનિક વિશ્વ સામે ઉભા થતા સામાજિક અને નૈતિક પડકારો વચ્ચે આધ્યાત્મિક મૂલ્યોનું મહત્વ પણ ઉજાગર કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ વિશ્વભરમાં વસતા ભારતીય સમાજ અને નવી પેઢીને પોતાની સાંસ્કૃતિક ઓળખ સાથે જોડવાનો પણ આ કાર્યક્રમનો મહત્વપૂર્ણ હેતુ છે.

સંત સંસદમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી મહામંડલેશ્વર, મહંતો, સંતો અને આધ્યાત્મિક સંસ્થાઓના અગ્રણીઓ હાજરી આપશે. કાર્યક્રમ દરમિયાન ભારતીય આધ્યાત્મિક પરંપરા, વૈદિક સંસ્કૃતિ, જીવનમૂલ્યો, પરિવાર વ્યવસ્થા, યુવા પેઢીની ભૂમિકા અને વૈશ્વિક શાંતિ જેવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોને પોતાની સંસ્કૃતિ સાથે વધુ મજબૂત રીતે જોડવા માટે પણ વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોનું માનવું છે કે આ કાર્યક્રમ ભારતીય આધ્યાત્મિક પરંપરાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

પ્રથમવાર ઈંગ્લેન્ડમાં મોટા પાયે સંત સંમેલન
ઈંગ્લેન્ડમાં પ્રથમવાર આટલા મોટા પાયે સંત સંસદનું આયોજન થઈ રહ્યું હોવાથી તેને ઐતિહાસિક ગણવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં હિન્દુ, બૌદ્ધ, શિખ અને જૈન ધર્મના પ્રતિનિધિઓ એક જ મંચ પર ઉપસ્થિત રહી વિશ્વ શાંતિ, ભાઈચારો, માનવતા અને આધ્યાત્મિક સહઅસ્તિત્વ અંગે પોતાના વિચારો રજૂ કરશે. આ પ્રકારનો આંતરધર્મીય સંવાદ વિવિધ પરંપરાઓ વચ્ચે સમજણ અને પરસ્પર સન્માન વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આધ્યાત્મિક આગેવાનો વિશ્વમાં વધતા તણાવ, અસહિષ્ણુતા અને સામાજિક પડકારો વચ્ચે માનવ મૂલ્યોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *