સુરતના નાનપુરા વિસ્તારમાં એકલા રહેતા વૃધ્ધાની રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે રહેતી મહીલાએ લુંટના ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પુત્ર સાથે મકાન જોવા આવેલી રાજકોટની મહિલાએ એકલા રહેતા વૃધ્ધાને ઇસ્ત્રીના ઘા મારી પોતાના પુત્રની નજર સામે મોતને ઘાટ ઉતારી દિધા હતા અને 7 તોલા સોનું લુંટી લીધું હતું. જો કે પુત્રએ દેકારો કરતા માતા સોનુ મુકી ભાગી ગઇ હતી. જેને અઠવાલાઇન પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધી હતી.
સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટના ફ્લેટમાં એકલા રહેતા 84 વર્ષીય એમીબેન મોતીવાલાની હત્યા થઇ હતી. રાજકોટની મહીલાએ ચોરીના ઈરાદે વૃદ્ધામાં ઘૂસી હત્યા કર્યાનો ખુલાસો થયો. આરોપી છાયા શાહ તેના 15 વર્ષીય પુત્ર સાથે ભાડાનું મકાન જોવાના બહાને વૃદ્ધાના ફ્લેટમાં ઘૂસ્યા. ફ્લેટમાં ચોરીનો પ્રયાસ કરતા એમીબેને વિરોધ કરતા માથામાં ઈસ્ત્રીના ઘા ફટકાર્યા. ત્યારબાદ કેબલથી ગળેટૂંપો આપી હત્યા નિપજાવી. પુત્રએ માતાને રોકવા બૂમાબૂમ કરતા આરોપી મહિલા 7 તોલા સોનું મૂકીને જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ. પોલીસે ગણતરીના દિવસોમાં જ તેની ધરપકડ કરી.
સુરતના નાનપુરા વિસ્તારની ટીટીવી હાઈસ્કૂલ પાસે આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટ નંબર 16માં એમીબેન ઉર્ફે અમીનાબેન મોતીવાલા(84) એકલા જ રહેતા. 13 તારીખે એમીબેનનો ફોન નો રિસિવ થતા નજીકમાં જ રહેતા તેમના બહેન ફ્લેટ પર તપાસ કરવા પહોંચ્યા તો ઘરમાંથી એમીબેનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે તિરૂપતિ ડેરી નજીક રહેતી છાયા મુકેશ શાહની સંડોવણી હોવાનું જાણવા મળતા તેની ધરપકડ કરી છે.
છાયા શાહ 11 સપ્ટેમ્બરે છાયા મોનાલિસા એપાર્ટમેન્ટમાં ભાડાનું મકાન જોવા માટે ગઈ હતી. ત્યારે બાજુના જ ફ્લેટમાં રહેતા એમીબેન મળ્યા હતા અને છાયાને બોલાવીને કહ્યું હતું કે, તેઓ અહીં એકલાજ રહે છે. જો તેઓ જલદી રહેવા આવી જાય તો તેમને પણ સથવારો મળી રહે.13 સપ્ટેમ્બરે છાયા પોતાના 15 વર્ષના પુત્ર સાથે વૃદ્ધાના ઘરે પહોંચ્યી. એમીબેનને 2 દિવસ પહેલા મકાન જોવા આવ્યા હોવાની ઓળખાણ આપી ઘરમાં પ્રવેશ મેળવ્યો. ઘરમાં ગયા બાદ થોડીવારમાં જ છાયાએ સીધી તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો, જેથી એમીબેને તેમને ટોક્યા હતા કે તિજોરી શું કામ ખોલો છો? ચોરી પકડાઈ જવાના ડરથી છાયાએ ઉશ્કેરાઈ ઘરમાં પડેલી ઈસ્ત્રી એમીબેનના માથામાં ઝીંકી દીધી હતી અને કેબલથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
માતાની આ હેવાનિયત જોઈને તેનો 15 વર્ષનો દીકરો ગભરાઈ ગયો. તેણે બૂમો પાડીને માતાને અટકાવતા કહ્યું હતું કે, “મમ્મી આવું નહીં કરીશ, મમ્મી આવું નહીં કરીશ”. દીકરાની સતત બૂમાબૂમથી છાયા એટલી ગભરાઈ ગઈ કે તે વૃદ્ધાના શરીર પર રહેલા આશરે 7 તોલા સોનાના દાગીના લૂંટી શકી નહીં. તેણે એક પણ દાગીનાને હાથ અડાડ્યો નહીં. તે માત્ર ઘરમાં પડેલો એક મોબાઈલ ફોન અને થોડી રોકડ રકમ લઈને પોતાના દીકરાને ડરાવીને ત્યાંથી ફરાર થઈ ગઈ.
300થી વધુ સીસીટીવી ફંફોળીને પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો
મૃતકના શરીર પર આશરે 7 તોલા સોનાના દાગીના અકબંધ હોવાથી શરૂૂઆતમાં પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર બની ગયો હતો, કારણ કે લૂંટનો ઈરાદો સ્પષ્ટ થતો ન હતો. 72 વર્ષીય દુરૈયાબેનની ફરિયાદ બાદ અઠવાલાઇન્સ પોલીસ મથકના સ્ટાફે આસપાસના આશરે 300 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને એક શંકાસ્પદ મહિલાને રિક્ષામાં જતા ટ્રેક કરી ઝડપી લીધી હતી.
