નિયમ મુજબ પોલીસનો બંદોબસ્ત માગવાના બદલે શાળા પ્રવાસની માત્ર જાણ કરી, આરટીઓમાં બસ ચેક કરાવ્યા વગર જ તાલાલા પહોંચી ગયા
શાળાનો પ્રવાસ એ વિદ્યાર્થીઓ માટે હંમેશા માટે આનંદનો વિષય રહયો છે પરંતુ જયારે શાળા સંચાલકો અને શિક્ષકોની બેદરકારી છતી થાય ત્યારે તે વિધાર્થી અને તેમનાં પરીવારને ભોગવવાનો વારો આવે છે . આવી જ એક ઘટના રાજકોટ શહેરમા બની છે જેમા રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની છે. સાસણ નજીક આવેલા ’ધ ગીર ગેટ વે રિસોર્ટ’માં સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ-8ના વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે હસતા-રમતા બાળકોનો પ્રવાસ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો હતો અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલના ધોરણ 5 થી 12ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ, સાસણ અને દેવળિયાના પ્રવાસે નીકળ્યા હતા. 19 ડિસેમ્બરના રોજ સોમનાથ દર્શન કરીને પરત ફરતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ સાસણ-તાલાલા રોડ પર આવેલા રિસોર્ટમાં જમવા અને વિરામ માટે રોકાયા હતા.
જમ્યા બાદ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે 13 વર્ષીય હાર્દિક મુકેશભાઈ બારૈયા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અને તેમને હોસ્પીટલે ખસેડવામા આવતા ફરજ પરના તબીબ ડો. ઉર્જાએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ હાર્દિકના માતા-પિતા રાજકોટથી તાલાલા દોડી આવ્યા હતા. હોસ્પિટલના પટાંગણમાં જ્યારે માતા-પિતાએ પોતાના લાડકવાયા દીકરાનો મૃતદેહ જોયો ત્યારે તેમના હૈયાફાટ રૂૂદનથી ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ હતી. ‘હાર્દિક બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેના પિતા કેમિકલ ફેક્ટરીમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
મૃતક હાર્દિકના પરિવારજનોએ સ્કૂલના શિક્ષકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. પરિવારનું કહેવું છે કે, આટલી મોટી સંખ્યામાં બાળકો હોવા છતાં શિક્ષકોએ સ્વિમિંગ પૂલ પાસે પૂરતું ધ્યાન કેમ ન રાખ્યું? હોસ્પિટલ ખાતે જ્યારે શિક્ષકો સામે આવ્યા ત્યારે મૃતકના મામાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેઓ શિક્ષકોને મારવા દોડ્યા હતા, જોકે પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો.
મૃતકના પિતાએ હાથ જોડીને પોલીસ પાસે માંગ કરી છે કે રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે કે તેમનો પુત્ર પૂલમાં કેવી રીતે પહોંચ્યો અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય. આ ઘટના મામલે રાજકોટ શહેરનાં એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ બી. વી. બોરીસાગરે જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે શાળા પ્રવાસ લઇ જતી હોય ત્યારે પોલીસને જાણ કરી બંદોબસ્ત માંગવાનો હોય છે અગાઉ બે સરકારી શાળા કચ્છ પ્રવાસે ગઇ ત્યારે અમારી પાસે મંજુરી માગી હતી જેમા અમે બંદોબસ્ત ફાળવ્યો હતો પરંતુ નવયુગ સ્કુલ દ્વારા પ્રવાસમા જઇ રહયા હોવાની માત્ર જાણ કરવામા આવી હતી . બંદોબસ્ત માંગ્યો ન હતો. તેમજ આરટીઓ ખપેડે જણાવ્યુ હતુ કે બાળકોનાં પ્રવાસ દરમ્યાન વાહનોની ચકાસણી પણ કરવામા આવે છે ત્યારે નવયુગ સ્કુલ દ્વારા જે પ્રવાસ કરવામા આવ્યો તેનાં વાહનોની કોઇ ચકાસણી કરાવ્યા વગર જ તે ગીર સોમનાથ અને સાસણ ગીર ફરવા જતા રહયા હતા.
સંચાલકો સામે ગુનો નોંધી સ્કૂલની માન્યતા રદ કરો : કોંગ્રેસની માંગ
રાજકોટની નવયુગ સ્કૂલના દ્વારા સોમનાથ સાસણ સ્કૂલ પ્રવાસ દરમિયાન સાસણના એક રિસોર્ટ ખાતે બાળકો લઈ જતા સ્વીમિંગમા ધો.8 ના એક 13 વર્ષીય વિદ્યાર્થીના ડૂબી જવાના મોતના મામલે હવે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરીને સ્કૂલ સામે ઉદાહરણરૂૂપ કાર્યવાહી કરવા માંગ કરી છે.તેઓએ રજૂઆતમા જણાવ્યુ કે નવયુગ સ્કૂલ દ્વારા રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવાસ માટે બનાવવામાં આવેલી સ્પષ્ટ માર્ગદર્શિકાનો ખુલ્લેઆમ ભંગ કરીને સ્થાનિક પોલીસના કર્મીઓને સાથે ના રાખીને ,RTO પાસે વાહન ચેક કરાવ્યા વિના જ શાળાના બાળકોને સ્કૂલ પ્રવાસે લઈ જઈને ગંભીર બેદરકારી દાખવતા એક 13 વર્ષીય વિદ્યાર્થીનુ સ્વિમિંગ પુલમા ડૂબી જવાથી દુ:ખદ મૃત્યુ થવાનો બનાવ સામે આવ્યો છે.
વિશેષ રજૂઆત કરતા જણાવ્યુ કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી શાળા પ્રવાસ માર્ગદર્શિકા મુજબ સ્થાનિક પોલીસ અને આરટીઓ વિભાગને પ્રવાસના પૂર્વે પંદર પહેલા લેખિત જાણ કરીને મંજૂરીઓ લેવાની થતી હોય અને પોલીસના કર્મીઓને સાથે રાખવા ફરજિયાત હોય છે પરંતુ આ કિસ્સામા કોઈ પોલીસકર્મી સાથે રાખવામા આવેલ ન હતા કે આરટીઓ દ્વારા કોઈ મંજૂરી દેવામા આવી ના હતી. તેઓએ રજૂઆતમા વિશેષ માંગ કરી કે આ ગંભીર ઘટનામાં નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ હાથ ધરવામાં આવે અને રાજ્ય સરકારના નિયમોને ધ્યાને લઈને પોલીસ વિભાગને ભલામણ કરી BNS હેઠળ FIR નોંધવાની કાર્યવાહી તાકીદે કરવામા આવે.શાળા સંચાલક અને પ્રવાસ જવાબદારોની બેદરકારીને કારણે બાળકનું મૃત્યુ થયું હોવાથી BNS કલમ 106 મુજબ ગુનો નોંધવામા આવે.નવયુગ સ્કૂલ સામે તાત્કાલિક તપાસ હાથ ધરીને માન્યતા રદ કરવામા આવે.શાળાની બેદરકારીથી ભોગ બનનાર બાળકના પરિવારને રૂૂ.50 લાખની આર્થિક સહાય આપવામા આવે. અને વિશેષ કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે જિલ્લામાં તમામ શાળાઓને કડક સૂચનાઓ આપવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.
