પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન સ્ક્રેપ સામગ્રીના ઝડપી અને કાર્યક્ષમ નિકાલમાં સતત નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 202526માં ડિવિઝને 9,195 મેટ્રિક ટન સ્ક્રેપનું વેચાણ કરીને ₹33.11 કરોડની આવક મેળવી છે. આ સિદ્ધિ માત્ર એક નવો રેકોર્ડ જ નથી, પરંતુ પાછલા તમામ વર્ષોની સરખામણીમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. રાજકોટ ડિવિઝને 100 ટકા ક્ધડમ (બિનઉપયોગી) શેડ અને ઇમારતોનો નિકાલ પૂર્ણ કરી લીધો છે અને પોતાના 99 ટકા એકમોને સ્ક્રેપ-મુક્ત બનાવી દીધા છે.
નિકાલ કરવામાં આવેલી સામગ્રીમાં મુખ્યત્વે સ્ક્રેપ રેલ, પી-વે (P-Way) સામગ્રી અને સ્લીપર, માઇલ્ડ સ્ટીલ, કાસ્ટ આયર્ન સ્ક્રેપ, ઈ-વેસ્ટ, બેટરી, પ્લાસ્ટિક, વેસ્ટ પેપર, લાકડું તેમજ તાંબુ, એલ્યુમિનિયમ અને પિત્તળ જેવી બિન-લોહ ધાતુઓનો સમાવેશ થાય છે. આ સુવ્યવસ્થિત પ્રક્રિયાથી માત્ર નોંધપાત્ર આવક જ નથી થઈ, પરંતુ રેલવે અસ્કયામતોના બહેતર સંચાલન, સ્વચ્છ પરિસર અને સંસાધનોના અસરકારક ઉપયોગને પણ બળ મળ્યું છે. આ સિદ્ધિ ‘મિશન ઝીરો સ્ક્રેપ’ અંતર્ગત ડિવિઝનના તમામ એકમોને તબક્કાવાર રીતે સ્ક્રેપ-મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે: આ સફળતા રાજકોટ ડિવિઝનની કાર્યક્ષમતા અને સ્વચ્છતા પ્રત્યેના અમારા સંકલ્પને સાબિત કરે છે. ‘મિશન ઝીરો સ્ક્રેપ’ની દિશામાં આ એક અત્યંત મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
