રાજકોટમાં ગત ચૂંટણી કરતા 46,224 મત ઓછા પડ્યા: અનામતની લાલચ છતાં મહિલા મતદારો “રીઝ્યા” નહીં!

વર્ષ 2021ની સરખામણીમાં 2026માં 0.87 ટકા મતદાન વધ્યું : જઈંછમાં 1,08,039 મતદારો કપાતા મતદાનને પહોંચી અસર : ગત મનપા ચૂંટણીની સરખામણીમાં ગઈકાલે પુરુષ મતદારોની મતદાન…

વર્ષ 2021ની સરખામણીમાં 2026માં 0.87 ટકા મતદાન વધ્યું : જઈંછમાં 1,08,039 મતદારો કપાતા મતદાનને પહોંચી અસર : ગત મનપા ચૂંટણીની સરખામણીમાં ગઈકાલે પુરુષ મતદારોની મતદાન ટકાવારીમાં 1.75 ટકાનો ઉછાળો

4.75 લાખ મહિલા મતદારોની સરખામણીમાં 2.21 લાખ મહિલાઓએ કર્યું મતદાન : વોર્ડ 15માં સૌથી વધુ 9.14% મહિલાઓએ 2021ની સરખામણીમાં વધુ મતદાન કર્યું

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને આવતીકાલે મત ગણતરી થશે જે બાદ તે નક્કી થઈ જશે કે મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે પછી તાલુકા પંચાયત હોય કોની સત્તા આવશે. હાલ રાજકોટ મહાનગર ની વાત કરવામાં આવે તો ગધ ચૂંટણી કરતા આશરે 46,224 મત ઓછા પડ્યા હોવાનું હાલ જણાવ્યું છે અને મતદાર સુધારણા દરમિયાન 1.08 લાખ મતદારોના નામ પણ કપાયા છે તેની સીધી જ અસર રાજકોટ મહાનગરપાલિકાના મતદાન પર જોવા મળી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા મહિલા અનામતની જ વાત કરવામાં આવી હતી તે વાતને પણ મહિલા મતદારઓએ ગ્રાહ્ય રાખી નથી અને રિજવવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે.

રાજકોટની જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 51.60 ટકા મતદાન નોંધાયું છે જેમાં વોર્ડ નંબર 15માં સૌથી વધુ અને વોર્ડ નંબર એકમાં સૌથી ઓછું મતદાન થયું છે. રાજકીય વર્તુળોમાં હાલ જે ચર્ચાએ જોર પકડ્યું છે તેને ધ્યાને લેતા એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગઈકાલે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ નો રોષ મતદાનને પણ ભરખી ગયો છે. જે જગ્યા પર વધુ મતદાન થવાની આસાને અપેક્ષાઓ પક્ષોને હતી તે પરિપૂર્ણ થઈ નથી ત્યારે ઘણા ખરા વોર્ડમાં ખૂબ ઓછું મતદાન 2021ની સરખામણીમાં થયું છે તો ઘણું બધું મતદાન 2026ની ચૂંટણીમાં પણ જોવા મળ્યું છે ત્યારે આ તમામ આશાઓ અને અપેક્ષાઓને ધ્યાને રાખી એ વાત સ્પષ્ટ છે કે આવતીકાલે જે પરિણામ આવશે તે અનેક રાજકીય પક્ષોના સમીકરણોને દઝાડશે તેમાં કોઈ શંકા નથી.

ચૂંટણી એટલે કે વર્ષ 2021 માં જે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી તેની જો વાત કરવામાં આવે તો તે સમયે કુલ 50.72% મતદાન થયું હતું જેમાં પુરુષ મતદારોએ મતદાન કર્યું હોય તે ટકાવારી 54.54 ટકા જોવા મળી હતી જ્યારે 46.60 ટકા મતદાન મહિલાઓએ કર્યું હતું. વધુમાં વાત કરવામાં આવે 5,67,001 પુરુષ મતદારો નોંધાયાતા જેમાંથી 3,09,254 પુરુષ મતદાર હોય મતદાન કર્યું હતું એવી જ રીતે મહિલા મતદારોની વાત કરવામાં આવે તો કુલ 5,26,990 મહિલા મતદારોમાંથી 2,45,603 મતદારો મતદાન કર્યું એટલે કે કહી શકાય કે કુલ 50.72% મતદાન થયેલું હતું. ત્યારે કુલ 10,93,991 મતદારો પૈકી 5,54,857 મત પડ્યા હતા.
ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને તેમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ગઈકાલે કુલ 51.59 ટકા મતદાન થયું હતું જેમાં પુરુષ મતદારોએ મતદાન કર્યું હોય તે ટકાવારી 56.29 ટકા જોવા મળી હતી જ્યારે 46.54 ટકા મતદાન મહિલાઓએ કર્યું હતું. વધુમાં વાત કરવામાં આવે 5,10,086 પુરુષ મતદારો નોંધાયાતા જેમાંથી 2,87,144 પુરુષ મતદારોએ મતદાન કર્યું હતું એવી જ રીતે મહિલા મતદારોની વાત કરવામાં આવે તો કુલ 4,75,866 મહિલા મતદારોમાંથી 2,21,489 મતદારો મતદાન કર્યું એટલે કે કહી શકાય કે કુલ 51.59% મતદાન થયેલું હતું.

ત્યારે કુલ 9,85,952 મતદારો પૈકી 5,08,633 મત પડ્યા હતા. ત્યારે વર્ષ 2021 ની સરખામણી જો કરવામાં આવે તો 46,224 મત ઓછા પડ્યા છે અને સામે 1,08,039 મતદારોની સંખ્યા પણ ઘટી છે. 2021 ની સરખામણીમાં ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં પુરુષ મતદારોએ કરેલા મતદાનની ટકાવારીમાં 1.75% નો વધારો થયો છે જ્યારે મહિલા મતદારોની વાત કરવામાં આવે તો ગઈકાલે 0.006 ટકાનો મતદાન ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે એ વાત તો નક્કી છે કે સરકાર દ્વારા મહિલા અનામત અંગે જે વાતો કરી હતી તેને મહિલાઓએ નકારી કાઢી છે. જેથી ભાજપ માટે મહિલા અનામત બિલ ની વાત મતદાન ઉપર કોઈ મોટી અસર કરાવી શકી નથી.

વર્ષ 2021ની સરખામણીમાં ક્યા વોર્ડમાં પાંચ ટકાથી મતદાન વધ્યું, અને કયા વોર્ડમાં સૌથી વધુ ઘટ્યું
2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને ચુંટણીપંચે વિવિધ આંકડાઓ પણ જાહેર કર્યા છે. અત્યારે 2021 સાથે જો સરખામણી કરવામાં આવે તો વોર્ડ 4,5,6,14,15 અને 16 માં સરેરાશ પાંચ ટકાથી વધુનું મતદાન નોંધાયું છે વિગતવાર વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ચારમાં 7.9% વધ્યું, વોર્ડ પાંચમાં 5.44 ટકા, વોર્ડ છ માં 5.33 ટકા , વોર્ડ 14માં 5.66 ટકા, વોર્ડ 15માં 11.24 ટકા અને વોર્ડ 16માં 8.78% વધુ મતદાન 2021 ની સરખામણીમાં નોંધાયું છે. બીજું મહત્વનું જે તારણ બહાર આવ્યું છે તેમાં 18 વોર્ડ માંથી આઠ વોર્ડમાં 2021 ની સરખામણીમાં ટકાવારી નેગેટિવ જોવા મળે છે અને સૌથી ઓછું મતદાન જો નોંધાયું હોય તો તે વોર્ડ નંબર નવમાં છે. જેમાં ગત ચૂંટણીની સરખામણીમાં 3.86 ટકા ઓછું મતદાન નોંધાયું છે. વિગતવાર ચર્ચા કરવામાં આવે તો જ્યાં 2021 ની સરખામણીમાં ઓછું મતદાન નોંધાયું હોય તેમાં વોર્ડ એકમાં 0.88% , વોર્ડ આઠમાં 0.84% , વોર્ડ નવમા 3.86% , વોર્ડ 10માં 2.03 ટકા , વોર્ડ 11માં 1.54 %, વોર્ડ 13 માં 0.25% , તથા વોર્ડ 18માં 2.86% મતદાન ઓછું નોંધાયું છે.

વોર્ડ નં.4માં મહિલાઓનું મતદાન વધ્યું તો વોર્ડ નં.1માં ઘટ્યું
હાલ જે ચૂંટણી પંચ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમાં એ વાત સ્પષ્ટ છે કે ગઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ 65.77 ટકા મહિલાએ વોર્ડ 15માં મતદાન કર્યું છે. ત્યારબાદ બીજું સૌથી વધુ મતદાન જો મહિલાએ કર્યું હોય તો તે વોર્ડ નંબર ચારમાં 60.64 ટકા છે. અને મહિલાઓએ સૌથી ઓછું મતદાન કર્યું હોય તેવો વોર્ડ 1માં 38.29 ટકા નોંધાયું છે. એવી જ રીતે પુરુષ મતદાનની ટકાવારી ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો સૌથી વધુ મતદાન પુરુષોએ કર્યું હોય તો તે વોર્ડ 15માં 70.75% છે. ત્યારબાદ બીજું સૌથી વધુ મતદાન વોર્ડ નંબર ચારમાં 68.39 ટકા નોંધાયું છે. તો સામે સૌથી ઓછું મતદાન વોર્ડ એકમાં 47.56 ટકા જોવા મળ્યું છે.

વર્ષ 2021ની સરખામણીમાં 2026માં 9 વોર્ડમાં મતદાનની ટકાવારી ઓછી
ગઈકાલે યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીની મતદાનની સરખામણી વર્ષ 2021 સાથે કરવામાં આવે તો વોર્ડ નંબર એકમાં ગત વર્ષની સરખામણીમાં 1.91% ઓછું મતદાન થયું છે જ્યારે વોર્ડ બેમાં 1.17 ટકા મતદાનમાં વધારો નોંધાયો છે વોર્ડ ત્રણની વાત કરવામાં આવે તો પણ 3.3% નો વધારો ગઈકાલે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યો. તો વોર્ડ ચારમાં 7.14 ટકાનો વધારો, વોર્ડ પાંચમાં 5.24 ટકાનો વધારો, વોર્ડ છ માં 4.49 ટકાનો વધારો. વોર્ડ સાતમા 0.47 ટકાનો ઘટાડો નોંધાયો તો સામે વોર્ડ આઠમાં પણ 1.68% મતદાનમાં ઘટાડો થયો છે. વોર્ડ નવમાં પણ સરેરાશ 4.21% મતદાન ઘટ્યું છે. વોર્ડ 10માં 2.58 ટકા મતદાનમાં ઘટાડો નોંધાયો એવી જ રીતે વોર્ડ 11માં 2.3% મતદાનમાં ઘટાડો થયો છે. જ્યારે વોર્ડ બારમાં 0.24% મતદાનમાં વધારો નોંધાયો છે ,વોર્ડ 13 માં 1.68% ઓછું મતદાન, વોર્ડ 14માં 5.28 ટકા મતદાન વધ્યું છે , વોર્ડ 15માં સૌથી વધુ 10.22% મતદાનમાં વધારો નોંધાયો છે તો વોર્ડ 16 માં પણ 7.72% મતદાન ઊંચું આવ્યું છે. જ્યારે વોર્ડ નંબર 17 માં 1.34% અને વોટ 18 માં 4.33 ટકા મતદાનમાં ઘટાડો નોંધાયો છે. એટલે કહી શકાય કે વર્ષ 2021 ની સરખામણીમાં 18 વોર્ડ માંથી અડધો અડધ વોર્ડમાં મતદાનની ટકાવારી ઘટી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *