ન્યાયની આશા નથી, દિલ્હી હાઈકોર્ટમાં હાજર થવા અરવિંદ કેજરીવાલનો ઈનકાર

દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત વિવાદમાં એક મોટો વળાંક આવ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માને પત્ર લખીને આ કેસની સુનાવણી દરમિયાન…

દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત વિવાદમાં એક મોટો વળાંક આવ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માને પત્ર લખીને આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે તેમને હવે વર્તમાન ન્યાયિક પ્રક્રિયામાંથી ન્યાય મળવાની કોઈ આશા રહી નથી.

સોમવારે લખેલા પત્રમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે તેઓ આ કેસમાં ન તો વ્યક્તિગત રીતે હાજર રહેશે અને ન તો કોઈ વકીલ દ્વારા પોતાનું પ્રતિનિધિત્વ કરાવશે. તેમણે પત્રમાં ગંભીર આક્ષેપ કરતા લખ્યું કે, તેમની ન્યાય મેળવવાની આશા હવે અદૃશ્ય થઈ ગઈ છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ હવે ન્યાય માટે મહાત્મા ગાંધીના ’સત્યાગ્રહ’ ના માર્ગે ચાલશે. નોંધનીય છે કે આ અગાઉ પણ તેમણે ન્યાયાધીશની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવ્યા હતા.

પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને આ નિર્ણય લીધો હોવાનું જણાવતા કેજરીવાલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કાનૂની માર્ગ સંપૂર્ણપણે છોડી રહ્યા નથી. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ આ મામલે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર અનામત રાખે છે. તેથી હવે દિલ્હી એક્સાઇઝ પોલિસીનો આ વિવાદ હવે દેશની સૌથી મોટી અદાલતમાં પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *