દરવાજા લોક થઇ જતા કાચ તોડી ચાલકને મહામહેનતે બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની સોંદરડા GIDC માં સર્જાયેલા એક એકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. GIDC પાસેથી પૂરઝડપે પસાર થઈ રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર એક બંધ દુકાનના શટરમાં ઘૂસી ગઈ હતી. કારની સ્પીડ એટલી હતી કે, સ્પીડોમીટરનો કાંટો 140 પર અટકી ગયો હતો. શટર, દીવાલ અને નજીકમાં પડેલા ખાટલાના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. સદનસીબે દુકાન બંધ હોય અને નજીકમાં કોઈ વ્યકિત હાજર ન હોવાના કારણે જાનહાનિ અટકી છે. અકસ્માતમાં કારના આગળના ભાગના પણ ફૂરચા નીકળી ગયા હતા. લોકોએ ગંભીર રીતે ઘાયલ થયેલા કારચાલકને સારવાર માટે ખસેડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, કેશોદની સોંદરડા જીઆઈડીસીમાં ’અલ્પા સ્ટીલ’ નામની લોખંડની પેઢી આવેલી છે. રવિવારની રજા હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિક ઓછો હતો અને દુકાન પણ બંધ હતી. આ દરમિયાન રાજકોટ પાસિંગની એક ’બલેનો’ કાર (GJ 03 LR 6440) પૂરપાટ ઝડપે આવી રહી હતી. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી જ અલ્પા સ્ટીલના શટર અને દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અથડામણ એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારના દરવાજા લોક થઈ ગયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ કારનો દરવાજો તોડીને ઈજાગ્રસ્ત ચાલકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની ભયાનક ગતિ સ્પષ્ટ દેખાઈ રહી છે.
કાર રાજકોટની છે અને અમે હાલ ડ્રાઈવરની તબિયત જાણવા હોસ્પિટલ જઈ રહ્યા છીએ.
અકસ્માત બાદ જ્યારે કારની તપાસ કરવામાં આવી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. કારની અંદર રહેલા સ્પીડોમીટરનો કાંટો 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પર જામ થઈ ગયો હતો. આ બાબત સાબિત કરે છે કે રહેણાંક અને જીઆઈડીસી જેવા વિસ્તારમાં કાર ખૂબ જ જોખમી ગતિએ દોડાવવામાં આવી રહી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
