પડધરી પાસે અજાણ્યુ વાહન અકસ્માત સર્જી પલાયન, પોલીસે ઘટનાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ કરી
રાજકોટના ચુનારાવાડ પાસે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતુ દંપતિ પડધરીમાં રહેતી દીકરીને હોળીનો હાયડો આપવા જતુ હતુ ત્યારે પડધરી પાસે આવેલી ભારત હોટેલ નજીક અકસ્માત થતા બંન્ને ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પતિનું મોત નીપજ્યુ હતું. જયારે પત્નીની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પડધરી પોલીસે તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ રાજકોટના ચુનારાવાડ પાસે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતુ દંપતિ જેમાં ધનજીભાઇ રવજીભાઇ સાકરીયા (ઉ.વ.60)અને રજંનબેન ધનજીભાઇ (ઉ.વ.50)બંન્ને બાઇક પર પડધરી રહેતી દીકરી સંજનાને હોળીનો હાયડો આપવા જતા હતા ત્યારે પડધરી નજીક આવેલી ભારત હોટલ પાસે અકસ્માત સબબ ધનજીભાઇ અને રંજનબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે સૌ પ્રથમ પડધરી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ધનજીભાઇનું મોત નીપજ્યુ હતું.
ધનજીભાઇને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે અને તેઓ ફિલ્ડમાર્શલ કંપનીમાં નોકરી કરે છે. આ મામલે પડધરી પોલીેસે જણાવ્યુ હતુ કે, આ ઘટના અકસ્માતની છે. કયુ વાહન દંપતિએ અડફેટે લઇ ભાગી ગયુ એ અંગે હાલ સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે.
