રાજકોટના રૈયા રોડ પર આવેલા દર્શન પાર્કમાં રહેતા અને કપડાંના એક્ઝિબિશનનો વેપાર કરતા હરેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ લશકરી (ઉં.વ. 46) નામના વેપારીએ કરેલી ફરિયાદને આધારે દેવરખીભાઈ વૈજાણંદભાઇ બારૈયા તથા દાનવિર ઉર્ફે ડાર્વિન દેવરખીભાઈ બારૈયા સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં હરેન્દ્રભાઈએ જણાવ્યું છે કે, તેમના પાડોશી ભરતભાઈ રતીલાલ મહેતાની મારુતિ બલેનો કાર નં. જીજે-03-કેસી-6616 વાપરવા માટે રાખતા હતા. દરમિયાન ભરતભાઈએ આ બલેનો કાર વેચવાની ઈચ્છા દર્શાવી હતી. મે 2026માં હરેન્દ્રભાઈ જ્યારે પોરબંદર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના વતનના પરિચિત દેવરખીભાઈ વૈજાણંદભાઇ બારૈયાનો ફોન આવ્યો હતો. ત્યારબાદ ઉપલેટા ખાતે હાઇવે પર દેવરખીભાઈ તથા તેમના પુત્ર દાનવિર ઉર્ફે ડાર્વિન બારૈયા સાથે મુલાકાત થઈ હતી.
મુલાકાત દરમ્યાન આરોપી પિતા-પુત્રએ હરેન્દ્રભાઈને વિશ્વાસ આપ્યો હતો કે તેમની સ્કોર્પિયો કાર નવી લેવાની હોવાથી આ બલેનો કાર એક્સચેન્જમાં સારી કિંમતે વેચાવી આપશે. જૂન 2026માં રાજકોટના મહિંદ્રા શોરૂૂમ ખાતે બલેનો કાર એક્સચેન્જમાં ઓછી કિંમત મળતા એક્સચેન્જ ના પાડી હતી. પરંતુ, આરોપીઓએ ’હું મારી રીતે ઊંચા ભાવે કાર વેચી આપીશ’ તેમ કહી વિશ્વાસઘાતથી બલેનો કાર પોતાની પાસે રાખી લીધી હતી અને વાપરવા માટે કિયા કાર આપી હતી.
ત્યારબાદ આરોપીઓએ કાર ધોરાજી ખાતે રૂૂ.3,90,000માં વેચી દીધી હોવાનું જણાવી રિપેરિંગ તથા કમિશન પેટે રૂૂ.17,000 કાપીને બાકીની રકમ આપવાનો વાયદો કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીના તથા તેમના પત્નીના બેંક ખાતામાં ટુકડે-ટુકડે કુલ રૂૂ.1,96,000 જમા કરાવ્યા હતા. પરંતુ, બાકી નીકળતા રૂૂ.1,77,000 ની ઉઘરાણી કરવા છતાં અવારનવાર બહાના બતાવી નાણાં ચૂકવ્યા ન હતા. આખરે છેતરપિંડીનો ભોગ બનેલા હરેન્દ્રભાઈ લશકરીએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં દેવરખીભાઈ વૈજાણંદભાઇ બારૈયા તથા દાનવિર ઉર્ફે ડાર્વિન દેવરખીભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી છે. ઉપલેટા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
