સામાન્ય બાબતમાં થયેલા પારકા ઝઘડામાં વચ્ચે પડેલા કારખાનેદાર અને તેના ભાઈની હત્યા, વળતા હુમલામાં કોન્ટ્રાક્ટરનું પણ મોત, દંપતી સહિત ત્રણ ઘાયલ: હત્યામાં સંડોવાયેલ આરોપી ક્રાઈમ બ્રાંચના સકંજામાં
ત્રિપલ મર્ડર બાદ ભારેલો અગ્નિ, હોસ્પિટલ, ઘટના સ્થળ અને મૃતકોના ઘરે ભારે પોલીસ બંદોબસ્ત
રાજકોટમાં દિવાળીના પર્વ પૂર્વે રાજકોટ શહેર રકતરંજિત બન્યું છે. શહેરના આંબેડકરનગરના વાહન અથડાવવા જેવી નજીવી બાબતે થયેલી માથાકુટમાં બે વાહન ચાલકો વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડેલા નજીકમાં રહેતા કારખાનેદાર અને તેના ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સામા પક્ષે વળતો હુમલો થયો હોય સામાન્ય બાબતમાં થયેલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અથડામણ થઈ હતી. જેમાં કારખાનેદાર અને તેના ભાઈનું મોત થયું હતું. જ્યારે વળતા હુમલામાં કોન્ટ્રાકટરનું મોત થતાં બનાવ ત્રિપલ મર્ડરમાં પલ્ટાયો હતો. આ હુમલાની ઘટનામાં મૃતક બે ભાઈઓ ઉપરાંત નાના ભાઈના પુત્ર અને માતા-પિતાને ઈજા થઈ હતી. જ્યારે સામા પક્ષે કોન્ટ્રાકટરના ભાઈને પણ ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં મોડી રાત્રે ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળેદોડી ગયા હતાં અને આ મામલે તાત્કાલીક કાર્યવાહી કરી હત્યાના બનાવમાં એક શખસને સકંજામાં લીધો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટનાં એસ.ટી.વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં બાબુભાઈ સોલંકીના ઘરે તેનો ભાણેજ બાઈક લઈને આવ્યો હતો અને તે આંબેડકરનગરમાં બાઈક લઈને પસાર થતો હતો ત્યારે આંબેડકરનગરમાં રહેતાં બાંધકામનું કામ કરતાં કોન્ટ્રાકટર અરૂણ વિનોદ બારોટ (ઉ.21) કે જે પોતાની કાર લઈ નીકળ્યો હોય તેની સાથે ઝઘડો થયો હતો અને આ ઝઘડો જ્યાં થયો ત્યાં રહેતાં સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમાર નામના કારખાનેદાર ભાઈઓ ત્યાં આવ્યા હતાં અને દિવાળીના તહેવારમાં ઝઘડો નહીં કરવા અરૂણ અને ભરતને સમજાવતાં હતાં ત્યારે ભરતનો ઝઘડો સાઈડમાં રહ્યો હતો અને અરૂણને સુરેશ અને વિજય સાથે માથાકુટ થઈ હતી.
પારકા ઝઘડામાં વચ્ચે પડેલા સુરેશ અને વિજય સાથે ઉગ્ર બોલાચાલી થતાં થોડીવારમાં અરૂણનો ભાઈ રમણ ત્યાં દોડી આવ્યો હતો. જ્યારે ઝઘડો ઉગ્ર બનતાં છરી અને તલવાર વડે બન્ને પરિવારો બાખડયા હતાં. જેમાં સુરેશ વશરામ પરમાર (ઉ.45), વિજય વશરામભાઈ પરમાર (40) અને વિજયના પુત્ર સુધીર (ઉ.20) ઉપર અરૂણ, રમણ અને તેની સેના વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. સામાપક્ષે અરૂણ વિનોદ બારોટ (ઉ.21) અને રમણ વિનોદ બારોટ (ઉ.22) ઉપર વળતો હુમલો થયો હતો. આ હુમલાની ઘટનામાં ઘવાયેલા સુરેશ, વિજય, સુધીર, અરૂણ અને રમણ તેમજ દેવુબેન વશરામભાઈ પરમાર તથા વશરામભાઈ વાલજીભાઈ પરમારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુરેશ અને વિજય બન્ને ભાઈઓના મોત થયા હતાં. થોડીવાર બાદ આ હુમલામાં ઘવાયેલા અરૂણ વિનોદ બારોટનું પણ મોત થતાં બનાવ ત્રિપલ મર્ડરમાં પલ્ટાયો હતો. ઘટના બાદ સિવિલ હોસ્પિટલ ખાતે બન્ને પરિવારના ટોળા ઉમટી પડયા હતાં અને મામલો તંગ બની ગયો હતો. બીજી તરફ બનાવ અંગેની જાણ થતાં ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ચૌધરી, એસીપી ક્રાઈમ ભરત બસીયા સાથે ક્રાઈમ બ્રાંચના અને માલવીયાનગરના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ મામલે પોલીસે બન્ને પક્ષે સામેસામી ફરિયાદ નોંધી છે. આંબેડકરનગરમાં રહેતાં બાબુભાઈ સોલંકીના ભાણેજ ભરતને અરૂણ સાથે વાહન અથડાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પારકા ઝઘડામાં બે સગા ભાઈઓનો ભોગ લેવાયો હતો. સામા પક્ષે ઝઘડો કરનાર અરૂણનું પણ મોત થતાં ત્રિપલ મર્ડરની ઘટનાથી રાજકોટ શહેર દિવાળી પૂર્વે રકતરંજિત બન્યું હતું.
આ ઘટના બાદ પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી હતી. બીજી તરફ ઘટના બાદ આંબેડકરનગર વિસ્તાર કે જ્યાં ઘટના બની ત્યાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે બન્ને પરિવારના સભ્યો સહિતના ટોળા ઉમટી પડયા હતાં. પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ટોળા ઉમટી પડતાં મામલો તંગ બની ગયો હતો. જેને લઈને પોલીસે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો ઉપર પોલીસ જાપ્તો ગોઠવી દીધો હતો. તેમજ ઘટના સ્થળ અને મૃતકો કે જે એક જ વિસ્તારમાં રહેતા હોય તેમના ઘરે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ અન્ય કોઈ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે આંબેડકરનગર વિસ્તારમાં પેટ્રોલીંગ પણ કર્યુ હતું.
તહેવારોમાં ત્રિપલ મર્ડરની ઘટનાથી પોલીસનું ટેન્શન વધ્યું
રાજકોટમાં દિવાળીના પર્વમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસે તકેદારી રાખી હોવા છતાં રાજકોટમાં દિવાળી રકતરંજિત બની છે અને ત્રિપલ મર્ડરની ઘટનાથી પોલીસનું ટેન્શન વધી ગયું છે. બનાવની જાણ થતાં ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સાથે એસીપી ચૌધરી, એસીપી ક્રાઈમ ભરત બસીયા, માલવીયાનગરના પીઆઈ દેસાઈ સાથે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એન.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ વી.ડી.ડોડીયા સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઘટનાથી રાજકોટ શહેર જે શાંત ગણાતું હોય ત્યારે તહેવાર ઉપર જ ત્રિપલ મર્ડરની ઘટનાએ પોલીસનું બ્લડ પ્રેશર વધારી દીધું છે.
1 વર્ષ પૂર્વે લગ્ન કરનાર પરિણીતાએ પતિ ગુમાવ્યો, બે ભાઈના મોતથી છ સંતાનો નોધારા બન્યા
આંબેડકરનગરમાં બનેલી ત્રિપલ મર્ડરની ઘટનાએ બે પરિવારનો માળો પીંખી નાખ્યો છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર સુરેશ વશરામ પરમારને સંતાનમાં ત્રણ દીકરી અને એક દિકરો છે. દિકરી નિરાલી, પાયલ અને જસ્મીન તથા પુત્ર મીલને સુરેશના મોતથી પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે તેના નાના ભાઈ વિજય પરમારને સંતાનમાં બે દિકરા સુધીર અને જશવંત છે જેમાં સુધીર કે જે ઈજાગ્રસ્ત બન્યો હોય તે શાંતિનિકેતન કોલેજમાં બીબીએનો અભ્યાસ કરે છે. આ હુમલાની ઘટનામાં સુરેશ અને વિજયના માતા દેવુબેન અને પિતા વશરામભાઈને પણ ઈજા થઈ હતી. વશરામભાઈને સંતાનમાં ત્રણ પુત્રો સુરેશ, વિજય અને જગદીશ છે અને એક પુત્રી છે. બનાવ વખતે જગદીશ હાજર ન હતો અને આ ઘટનામાં બે પુત્રો ગુમાવવાથી વશરામભાઈ શોકમગ્ન બન્યા હતાં. સામાપક્ષે અરૂણના એક વર્ષ પૂર્વે ભૂમિકાબેન સાથે લગ્ન થયા હતાં. પતિના મોતથી એક વર્ષમાં જ ભૂમિકાબેને પતિ ગુમાવ્યો છે. જ્યારે અરૂણના નાના ભાઈ રમણ હજુ કુવારો હતો. વિનોદભાઈને સંતાનમાં બે પુત્રો અરૂણ અને રમણ હોય જેમાં એક પુત્રનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
