સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એ પણ હવે જોખમ ! સિટી બસની અનિયમિતતાની ફરિયાદ કરતા યુવાનને ધમકી

રાજકોટ મનપા સંચાલિત સિટી બસની અનિયમિતતાની સામે અવાજ ઉઠાવનાર નાગરિક અક્ષય કંસારાને અજાણ્યા શખશે ફોન પર ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. મનપાની સિસ્ટમમાં રહેલી…

રાજકોટ મનપા સંચાલિત સિટી બસની અનિયમિતતાની સામે અવાજ ઉઠાવનાર નાગરિક અક્ષય કંસારાને અજાણ્યા શખશે ફોન પર ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. મનપાની સિસ્ટમમાં રહેલી ક્ષતિઓ સામે ફરિયાદ કરવા બદલ નાગરિકને મળતી આ ધમકીએ મનપાના વહીવટી તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સમગ્ર મામલે ભોગ બનનારા નાગરિકે મનપા કમિશનરને અરજી કરતા તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે.

પ્રજાપતિ ચોક વિસ્તારમાં રહેતા અક્ષય કંસારાએ જણાવ્યું હતું કે, તારીખ 28 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 12 વાગ્યે પ્રજાપતિ ચોકથી મહિકા ગામે જવા માટે 65 નંબરની RMTS બસની રાહ જોઈ રહ્યો હતો. મનપાની અધિકૃત RRL SATHI’ એપ્લિકેશનમાં બસનો સમય 12:37 નો બતાવતો હોવા છતાં, કલાકો સુધી કોઈ બસ આવી નહોતી. આકરી ગરમીમાં મુસાફરો અને વૃદ્ધોની હાલાકી જોઈને પોતે જવાબદાર નાગરિક તરીકે મનપાના વોટ્સએપ નંબર પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, જેનો ફરિયાદ નંબર 25463118 હતો.

આ ફરિયાદના બે દિવસ બાદ, તારીખ 30 ડિસેમ્બર 2025ના રોજ મારા મોબાઈલ પર અજાણ્યા નં 7016207486 પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ અત્યંત ઉદ્ધત અને આક્રમક ભાષામાં ધમકી આપતા કહ્યું હતું કે, તેં ફરિયાદ કેમ કરી? હવે પછી જો ફરિયાદ કરી છે તો તારી ખેર નથી, જોઈ લેજે! આ ધમકીભર્યા ફોનથી તે પોતે અને પરિવાર ફફડાટમાં મૂકાઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, જે ફરિયાદ માત્ર મનપાના રેકોર્ડમાં અને સંબંધિત બસના ડ્રાઈવર કે કંડક્ટર અને કોન્ટ્રાક્ટર પાસે હોય, તેની વિગત ત્રીજી વ્યક્તિ પાસે કઈ રીતે પહોંચી? અક્ષય કંસારાએ વધુમાં જણાવ્યું કે, અમે ટેક્સ ભરીએ છીએ અને સુવિધા ન મળે તો ફરિયાદ કરવાનો અમારો અધિકાર છે.

જો ફરિયાદ કરવા બદલ અમને આવી રીતે ધમકીઓ મળતી હોય, તો સામાન્ય જનતાએ કોની પાસે ન્યાય માંગવો? આ ઘટના બાદ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનપાના કોન્ટ્રાક્ટરો હવે ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે? જો મનપા ધારે તો ગણતરીની મિનિટોમાં આ નંબર કોનો છે અને કયા ડેપો કે રૂૂટ સાથે જોડાયેલો છે તેની તપાસ કરી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *