ખંભાળિયા પંથકમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ

વરસાદના અભાવે ઉભા મોલ બળી જવાની દહેશત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદ ખેંચાઈ જતા અનેક સ્થળોએ જળસ્તર ઉતરી…

વરસાદના અભાવે ઉભા મોલ બળી જવાની દહેશત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદ ખેંચાઈ જતા અનેક સ્થળોએ જળસ્તર ઉતરી રહ્યા છે. જેના કારણે ખાસ કરીને ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અષાઢ માસના પ્રારંભે વાવણીલાયક અને અનેક ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસી જવા પામ્યો છે. જ્યારે ખંભાળિયા તાલુકાના અનેક ગામોમાં હજુ સુધી પૂરતો વરસાદ વરસ્યો નથી. ચોમાસાના પ્રારંભે વરસેલા વરસાદ બાદ ખેડૂતોએ રાબેતા મુજબ વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા તાલુકામાં અનેક ખેડૂતો મોટાભાગે મગફળીનું વાવેતર કરે છે. ત્યારે વાવણી કરી ચૂકેલા ખેડૂતો હાલ વરસાદ ખેંચાઈ જતા ચિંતાગ્રસ્ત બન્યા છે.

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા વીસેક દિવસથી વરસાદ ન વરસતા ખેતરોમાં મગફળી સહિતના ઉભા મોલ હાલ મુરઝાઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે. ખેડૂતો કામ ચલાઉ રીતે હાલ પોતાના વાવ-કુવાના જળ સ્ત્રોત દ્વારા પિયત કરી રહ્યા છે. જોકે આ પાણી હાલ અપૂરતું બની રહેતા જો આગામી નજીકના દિવસોમાં વરસાદ નહીં આવે તો તેઓનું વાવેતર નિષ્ફળ જવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અનેક વિસ્તારોમાં અપૂરતા તેમજ નહિવત જેવા વરસાદના કારણે વાવ-કુવા સહિતના જળ સ્ત્રોતો હાલ તળિયા ઝાટક બની રહ્યા છે. અહીંના અનેક મોટા ડેમ સહિતના જળ સ્ત્રોતો ખાલી ખમ છે. ત્યારે હવે મેઘરાજા રૂૂષણા છોડી અને મન મૂકીને વરસે તેવી પ્રાર્થના ધરતીપુત્રો સાથે સૌ કોઈ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *