ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે કિસ્મતનો ખેલ ખરાબ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ (ઉઈ) સામેની તેમની મહત્વપૂર્ણ મેચ વરસાદને કારણે રદ થતાં, SRHની ટીમ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને આ સિઝનમાં IPL ટાઇટલ જીતવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદના બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરીને દિલ્હી કેપિટલ્સની ટીમને નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 133 રન પર રોકી દીધી હતી. જોકે, દિલ્હીનો દાવ પૂરો થતાં જ મેચ દરમિયાન વરસાદ શરૂૂ થયો. વરસાદ બંધ થયા બાદ મેદાન ખૂબ ભીનું હોવાને કારણે હૈદરાબાદની ટીમ બેટિંગ કરવા માટે મેદાનમાં આવી શકી નહીં. લાંબા ઇંતજાર બાદ અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો અને નિયમ મુજબ બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો.
આ મેચ રદ થવી અને એક પોઈન્ટ મળવો એ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે જીવલેણ સાબિત થયું. SRH એ અત્યાર સુધીમાં IPLમાં કુલ 11 મેચ રમી છે, જેમાંથી ટીમ ફક્ત ત્રણમાં જ જીતી શકી છે અને એક મેચ વરસાદને કારણે રદ થવાથી તેને એક પોઈન્ટ મળ્યો. આ રીતે, 11 મેચ બાદ SRHના કુલ 7 પોઈન્ટ છે. તેમનો નેટ રન રેટ માઈનસ 1.192 છે. ચાલુ સિઝનમાં હૈદરાબાદની હવે માત્ર ત્રણ મેચ બાકી છે. જો તે આ ત્રણેય મેચ જીતી જાય તો પણ તે મહત્તમ 7 + 6 = 13 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. પોઈન્ટ ટેબલમાં હાલમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (છઈઇ), પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ જેવી ટીમોના પોઈન્ટ 14 કે તેથી વધુ છે. આવી સ્થિતિમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલના ટોપ-4માં પહોંચી શકે તેમ નથી. આ કારણે, તેઓ પ્લેઓફની દોડમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયા છે અને આ સિઝનમાં IPL ટાઇટલ જીતવાનું તેમનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકશે નહીં. જો આ મેચ રદ ન થઈ હોત અને SRH જીતી ગયું હોત, તો પ્લેઓફ માટેની તેમની આશા અકબંધ રહી હોત, પરંતુ વરસાદે તેમની આશા પર પાણી ફેરવી દીધું.
