જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો જોવાની સદીઓ પુરાણી પરંપરા છે. મનમાં સવાલ ઉભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે આપી શકાય? અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે આમરા ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના ચોમાસુ વર્ષના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે, જે પરંપરા અનુસાર આજે પણ આમરા ગામમાં સર્વે ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચના બાદ આ વિધિ સંપન થઇ હતી. કેમ આવી પરંપરા પડી ? ક્યારથી આવી રસમ અપનાવાઈ છે ? એવું તે શું બન્યું આમરા ગામમાં તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે.
જામનગર તાલુકા નું આમરા એક એવું ગામ, કે જ્યાં અનોખી રીતે વરસાદનો વરતારો કરવામાં આવે છે. જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે, ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો, વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે, ત્યાર પછી કુવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે, અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે.
આ વખતે પણ આ પરંપરા અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને રાજપૂત પરિવારના કિશોરસિંહ રતુભા જાડેજા ના દ્વારા સર્વે ગ્રામજનોની ઉપસ્થિતિમાં બે રોટલા પધરાવવામાં આવ્યા હતા, અને પરંપરા અવિરત ચાલુ રખાઈ હતી.
રોટલો કુવાની વચ્ચોવચ પડીને પૂર્વ દિશા અને ઈસાન ખૂણા તરફ ગયો હતો. જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આ વર્ષ 14 થી 16 આની વર્ષ રહેશે એટલે કે મોડું વાવેતર છતાં પાછોતરા વરસાદ ને લઈને વર્ષ સારૂૂં રહેશે, અને મબલખ પાક ઉતરશે, તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે.
