જામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ: એક યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય બેની શોધખોળ ચાલુ

જામનગર જિલ્લામાં અલગ-અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી ત્રણ યુવતીઓ ગુમ થયાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક યુવતી ઉત્તરપ્રદેશના યુવક સાથે જતી રહી હોવાની આશંકા વ્યક્ત…

જામનગર જિલ્લામાં અલગ-અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી ત્રણ યુવતીઓ ગુમ થયાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક યુવતી ઉત્તરપ્રદેશના યુવક સાથે જતી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય બે યુવતીઓ ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી નથી.

સીટી ‘બી’ ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગુલાબનગર વિસ્તારમાં રહેતી 18 વર્ષીય મુસ્કાન વિજયભાઈ કશ્યપ તા. 10 જૂને ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે તે ઉત્તરપ્રદેશના સુમિત કશ્યપ નામના યુવક સાથે ગઈ હોઈ શકે છે. આ અંગે પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂૂ કરી છે.

બીજા બનાવમાં ધ્રોલના વૈભવ રેસીડેન્સીમાં રહેતી 20 વર્ષીય જાનવીબેન દિલીપભાઈ ખાવડા તા. 31 મેના રોજ ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી નથી. પરિવારજનોએ સગા-સંબંધીઓ સહિત વિવિધ સ્થળોએ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નથી.

જ્યારે મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં લાલપુર તાલુકાના ડેરાશિકારી ગામની 23 વર્ષીય કિંજલબેન વિજયભાઈ રાઠોડ પણ તા. 2 જૂનના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. તેની પણ આજદિન સુધી કોઈ ભાળ મળી નથી.

ત્રણે બનાવોમાં સંબંધિત પોલીસ મથકોએ ગુમ થયાની નોંધ કરી યુવતીઓની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા પણ માહિતી આપનારને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *