સુરતના પારડી મત વિસ્તારમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના બેનર લાગતા ખળભળાટ મચી ગયો છે. ગઇકાલે રામનવમી હતી. વાપીમાં શ્રીરામ શોભાયાત્રા સમિતિ દ્વારા ગોડસેના વખાણ કરતા હોર્ડીંગ મારવામાં આવ્યા હતા. આ હોર્ડીંગમાં નીચે ‘રઘુપતિ રાઘવ રાજા રામ દેશ બચા ગયે નાથુરામ’ એવું લખાણ પણ લખવામાં આવ્યું છે.
શાંતિપ્રીય ગુજરાતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અપમાન કરતા આવા બોર્ડ લાગતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીજીના પ્રિય ભજન રઘુપતિ રાઘવ રાજારામના શબ્દો પણ ફેરવી- તોડવીને રજુ કરાયા છે.
શ્રીરામ ભગવાનના જન્મોત્સવ નીમીતે શોભાયાત્રાનું આયોજન કરનાર સમિતિએ જ આ કૃત્ય કર્યું છે. લોકોમાં પણ આ મામલે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યો છે કે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા નાણા પ્રધાન કનુ દેસાઈના મત વિસ્તારના વાપીમાં મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામને ભારતની આઝાદીનો માર્ગ મોકળો કરનાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે.
તેના પોસ્ટર લગાવનાર બીજુ કોઈ નહીં પણ રામનવમી સમિતિ છે. નજીકમાં નરેન્દ્ર મોદીના પાણી પ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલનો મત વિસ્તાર છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો વિસ્તાર બહુ દૂર નથી. આ મામલે ફરીયાદ નોંધવાની પણ માંગ કરાઇ છે.
