રખડતા કૂતરાઓના ત્રાસ મુદ્દે સરકારે પરિપત્ર કર્યો છતાં રામધામ સોસાયટીના હડકાયા કૂતરાની ફરિયાદ મનપાએ ન લેતા ચકચાર
શહેરમાં રખડતા કૂતરાઓના ત્રાસ મુદ્દે કોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી મહાનગરપાલિકા સહિતનાને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ શાળા, કોલેજ, હોસ્પિટલોમાં નોડલ ઓફિસરની નિમુણક કરવાના આદેશ જારી કરી આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની સુચના આપી છે. છતાં રખડતા શ્ર્વાન મુદ્દે આજ સુધી ધોરનિંદ્રામાં રહેલ તંત્રની હજૂ પણ આંખ ઉઘડી ન હોય તેમ કાલાવડ રોડ ઉપર રામધામ સોસાયટીમાં એક હડકાયા કૂતરાએ આંતક મચાવી અનેક ને બચકા ભરતા આ મુદ્દે મનપામાં ફરિયાદ કરવા છતા 24 કલાક સુધી તંત્રએ કોઇ કાર્યવાહી ન કરતા સોસાયટીના રહીશોમાં રોષ વ્યાપી ગયો હતો અને ત્યા સુધીમાં હડકાયુ કૂતરુ ગાયબ થઇ જતા અન્ય વિસ્તારમાં પણ આ કૂતરુ અનેક ને બચકા ભરે તેવો ભય ઉભો થયો છે.
કાલાવડ રોડ ઉપર આવેલ રામધામ સોસાયટીમાં હડકાયા કૂતરાએ આંતક મચાવતા કૂતરાઓ ભોગ બનેલ એક અરજદારે મનપાના સીવીક સેન્ટરમાં ફરિયાદ નોંધાવી જણાવેલ કે, હડકાયા કૂતરાએ અનેક ને બચકા ફર્યા છે. છતા તંત્રએ કોઇ કાર્યાવાહી ન કરતા અરજદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવેલ કે, કાલાવડ રોડની રામધામ સોસાયટીમાં રખડું ડાઘિયા કૂતરાઓનો અસહ્ય ત્રાસ છે, રહીશોના જણાવ્યા મુજબ તાજેતરમાં સોસાયટીમાં એક રખડું કુતરુ હડકાયું થતા તે અનેકને કરડ્યું હતું. આ અંગે મહાપાલિકામાં ફરિયાદ નોંધાવ્યા પછી પણ 24 કલાક સુધી કોઇ ફરક્યું ન હતું.
વિશેષમાં કાલાવડ રોડની રામધામ સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, ગઇકાલે સવારથી બપોર સુધી અનેક વખત પ્રયત્નો કર્યા બાદ મ્યુનિસિપલ કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 155304 અને આરએમસી ઓન વોટ્સ એપ નં.95123 01973 ઉપર ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ફરિયાદ નોંધાયા પછી પણ 24 કલાક સુધી કામગીરી માટે કોઈ આવ્યું ન હતું, અલબત 24 કલાક પછી કૂતરા અંગે શું સમસ્યા છે તે જાણવા માટે ફરિયાદીને ફ્ક્ત ફોન આવ્યો હતો ! પણ કુતરુ પકડવા માટે ટીમ આવી ન હતી. આથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો.
