તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામની સીમમાં ચકલેશ્વર હનુમાન મંદિર પાસે આવેલા એક ખેતરમાંથી 8 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો. ખેડૂતોએ પાક રક્ષણ માટે ખેતરના શેઢે બાંધેલી માછલી પકડવાની જાળમાં આ અજગર ખરાબ રીતે ફસાઈ ગયો હતો. જાળમાં ગુંચવાયેલો અજગર બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, જે જોઈ ખેડૂતોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ રેન્જ આરએફઓ ડી.વી. વઘાસિયાની સૂચના અને રાઉન્ડ ફોરેસ્ટર પી.જી. વાળાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેસ્ટ કર્મચારીઓ વિનોદ જમોડ, પ્રવીણ રામ અને બાલુભાઈ મકરાણી સહિતના સ્ટાફે અજગરને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. અજગર જાળમાં સંપૂર્ણપણે વીંટળાઈ ગયો હોવાથી તેને મુક્ત કરવા માટે જાળ કાપવી અનિવાર્ય હતી. વનકર્મીઓએ ભારે સાવચેતીપૂર્વક અજગરનું મોઢું પકડી રાખ્યું હતું, જ્યારે અન્ય કર્મચારીઓએ અજગરની ચામડીને નુકસાન ન થાય તે રીતે ધીમે-ધીમે જાળ કાપી હતી.
આશરે 30 મિનિટની જહેમત બાદ અજગરને જાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને બાચકામાં ભરી જંગલ વિસ્તારમાં લઈ જઈ કુદરતી પર્યાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
