પ્રભસિમરન સિંહની અણનમ 80 અને શ્રેયસ અય્યરની 66 રનની દમદાર ઇનિંગ, ડિકોકની સદી કામ ન આવી
IPL 2026ની 24મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે સાત વિકેટે ભવ્ય જીત નોંધાવી છે. ટોસ જીતીને પંજાબ કિંગ્સે પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. મેચમાં ક્વિન્ટન ડિકોકે પ્લેઇંગ 11માં તક મળતા તેણે મુંબઈ તરફથી 53 બોલમાં સદી ફટકારી હતી. જેના જોરે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 195 રન બનાવ્યાં હતા. પરંતુ ડિકોકની સદી મુંબઈને જીત અપાવી શકી નહીં. પંજાબ કિંગ્સની ટીમે 196 રનનો ટાર્ગેટ 17મી ઓવરમાં જ ચેજ કરી લીધો હતો. પંજાબની ટીમ પોઇન્ટ ટેબલ પર ટોપ પર પહોંચી ચૂકી છે. પંજાબ આ સીઝનમાં એકપણ મેચ હાર્યું નથી.
પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સના 196 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરી ત્યારે શરૂૂઆત કંઈ ખાસ રહી ન હતી. ત્રીજા જ ઓવરમાં 27ના સ્કોર પર પ્રિયાંશ આર્ય આઉટ થઈ ગયો. ત્યારબાદ કોન્વે પણ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ ત્યારબાદ શ્રેયસ અય્યર અને પ્રભસિમરન સિંહ વચ્ચે શાનદાર પાર્ટનરશીપ જોવા મળી.
બંને વચ્ચે 66 બોલમાં 139 રનની પાર્ટનરશીપ થઈ. આ પાર્ટનરશીપ ત્યારે તૂટી જ્યારે પંજાબને જીતવા માટે માત્ર 12 રનની જરૂૂર હતી અને 27 બોલ બાકી હતા. શ્રેયસ અય્યર 35 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા. ત્યારબાદ પ્રભસિમરન સિંહે પંજાબે જીત અપાવવાનું કામ પૂર્ણ કર્યું અને નોટ આઉટ 80 રનની શાનદાર ઈનિંગ રમી. પ્રભસિમરને પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. જેના કારણે પંજાબે મુંબઈનો કુલ સ્કોર 17મી ઓવરમાં જ ચેઝ કરી લીધો.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ માટે ઇનિંગની શરૂૂઆત રાયન રિકેલ્ટન અને ક્વિન્ટન ડી કોકે કરી હતી. પરંતુ ત્રીજી જ ઓવરમાં અર્શદીપ સિંહે ઘાતક બોલિંગ કરી બેક ટુ બેક રિકેલ્ટન તેમજ સૂર્યકુમાર યાદવની વિકેટ ઝડપી લીધી. સૂર્યકુમાર યાદવ તો પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં.
ત્યારબાદ નમન ધીર અને ક્વિન્ટન ડી કોકે તાબડતોડ બેટિંગ કરી. બંને વચ્ચે 68 બોલમાં 122 રનની પાર્ટનરશીપ થઈ. પરંતુ 14મી ઓવરમાં નમન ધીર પોતાની વિકેટ ગુમાવી બેઠો. નમનના બેટમાંથી 51 રન આવ્યા. ત્યારબાદ પણ ડિકોક અટક્યો નહીં. તેણે 53 બોલમાં સદી પૂરી કરી. પરંતુ આ દરમિયાન 18મી ઓવરમાં હાર્દિક પંડ્યા પોતાની વિકેટ ગુમાવી બેઠો. હાર્દિકના બેટમાંથી માત્ર 14 રન જ આવ્યા. ક્વિન્ટન ડિકોકે નોટ આઉટ 112 રનની શાનદાર ઈનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. જેના આધાર પર મુંબઈએ 195 રન બનાવ્યા હતા.
શ્રેયસે એવો કેચ ઝડપ્યો કે સૂર્યા અને શર્માનું મોઢું ખુલ્લુ રહી ગયું
વાનખેડે સ્ટેડિયમમાં IPLનો એક એવો મુકાબલો રમાયો જેણે રોમાંચની તમામ હદો વટાવી દીધી. મુકાબલામાં તે સમયે વીજળી જેવો ચમકારો થયો જ્યારે પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે બાઉન્ડ્રી પર એક અશક્ય કેચ ઝડપીને હાર્દિક પંડ્યાને પેવેલિયન ભેગો કર્યો હતો. ઇનિંગ્સની 17.3મી ઓવર ચાલી રહી હતી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એક મોટા સ્કોર તરફ વધી રહી હતી અને કેપ્ટન હાર્દિક પંડ્યા ક્રીઝ પર સેટ થઈ ચૂક્યો હતો. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર માર્કો યાન્સેન બોલિંગ કરી રહ્યો હતો. યાન્સેને એક સમજી-વિચારી રણનીતિ હેઠળ બોલને ઓફ-સ્ટમ્પની ઘણી બહાર રાખ્યો અને ગતિ થોડી ઓછી કરી દીધી. હાર્દિકે આ બોલ પર મોટો શોટ રમવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બોલ તેના બેટના નીચેના ભાગે અડીને હવામાં ઘણો ઊંચો ગયો. બોલ બોલરની બરાબર ઉપરથી લોંગ-ઓન તરફ જઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે બોલ સુરક્ષિત વિસ્તારમાં પડશે, પરંતુ ત્યારે જ મેદાન પર ’અય્યર મેજિક’ શરૂૂ થયું. પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર લોંગ-ઓન પર તહેનાત હતો. તેણે પોતાની ડાબી તરફ એક લાંબી દોડ લગાવી અને છેલ્લી ક્ષણે હવામાં ડાઈવ લગાવતા બોલને રિવર્સ કપમાં ઝડપી લીધો, પરંતુ અસલી ડ્રામા હજુ બાકી હતો. અય્યરનું સંતુલન બગડી રહ્યું હતું અને તેનું મોમેન્ટમ તેને બાઉન્ડ્રી રોપની બહાર લઈ જઈ રહ્યું હતું. હવામાં રહેતા જ શ્રેયસે ગજબની માનસિક શાંતિ બતાવી. તેણે જોયું કે, ઝેવિયર બાર્ટલેટ તેની નજીક જ ઉભો છે. બાઉન્ડ્રીની બહાર પડતા પહેલા જ શ્રેયસે બોલને હવામાં ઉછાળ્યો અને બાર્ટલેટ તરફ લોબ કરી દીધો. ઝેવિયર બાર્ટલેટે કોઈ ભૂલ ન કરી અને બોલને સુરક્ષિત રીતે ઝડપી લીધો. સ્કોરકાર્ડ પર ભલે’Caught Bartlett’ લખવામાં આવ્યું, પરંતુ આખું સ્ટેડિયમ જાણતું હતું કે આ વિકેટ પૂરેપૂરી શ્રેયસ અય્યરના નામે હતી.
સૂર્યાનું કરિયર ખતમ થઈ ગયું?
ખરાબ રીતે પ્રેશરમાં દેખાઈ રહેલા સૂર્યકુમાર યાદવ આઈપીએલ 2026માં આઉટ ઓફ ફોર્મ દેખાઈ રહ્યો છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ પહેલા જ બોલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. અર્શદીપ સિંહે સતત બે બોલમાં પહેલા રિયાન રિકેલ્ટન અને પછી સૂર્યાને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. સૂર્યકુમાર યાદવ ભલે ટીમ ઇન્ડિયાનો ટી20 વિશ્વ વિજેતા કપ્તાન હોય, પણ આ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે. અહીં પ્લેયરનું કદ નહીં પણ ખેલ મહત્ત્વનો છે. મુંબઈના કપ્તાન હાર્દિક પંડ્યા બોલ્ડ નિર્ણય લેવા માટે ફેમસ છે. તેમને ટીમ મેનેજમેન્ટ અને માલિક બંનેનો સપોર્ટ છે. રોહિત શર્મા જેવા લીડરને ઇમ્પેક્ટ પ્લેયર રમાડીને તે પહેલા જ પોતાની શક્તિનું પ્રદર્શન કરી ચૂક્યો છે. હવે જો સૂર્યાએ રન બનાવવાનું શરુ ન કર્યું તો તેને ડ્રોપ કરી પંડ્યા કોઈ યુવાન બેટ્સમેનને પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપી શકે છે.
