ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવ્યો
સોમનાથ ના ધારાસભ્ય દ્વારા વિધાનસભા માં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા FIRનોંધવા નો ઇનકાર કરવા બાબત પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે ’સબ સલામત’ના દાવા કર્યા છે. તે અત્યંત આઘાતજનક અને સત્યથી વેગળી છે. સરકારનો દાવો છે કે છેલ્લા બે વર્ષમાં એક પણ કિસ્સામાં FIR નોંધવા નો ઇનકાર કરવામાં આવ્યો નથી. જો આ વાત સાચી હોય, તો હજારો અરજીઓ પોલીસ સ્ટેશનમાં કેમ પેન્ડિંગ છે?
આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ જણાવેલ કે, FIR ન નોંધવી એ ગુનાખોરીના આંકડા નીચા બતાવવાની એક સુનિયોજિત રણનીતિ છે. જ્યારે FIR જ નોંધાય નહીં, ત્યારે કાગળ પર ગુનાખોરી ઓછી દેખાય છે. ’પ્રશ્ન ઉપસ્થિત થતો નથી’ એમ કહીને સરકારે પોતાની નિષ્ફળતા અને ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનું કામ કર્યું છે. સરકારે વર્ષ 1995, 2016 અને 2017 ના જૂના પરિપત્રો નો હવાલો આપીને સંતોષ માની લીધો છે.
પ્રશ્ન એ છે કે જો આટલા બધા આદેશો છે, તો સામાન્ય માણસે FIR માટે હાઈકોર્ટ સુધી કેમ જવું પડે છે? એક તરફ લોકો પોલીસ સ્ટેશનના પગથિયાં ઘસે છે, અને બીજી તરફ સરકાર ગૃહમાં કહે છે કે ’બધું બરાબર છે’. આ જવાબો જનતા પ્રત્યેની સરકારની સંવેદનહીનતા અને અહંકાર દર્શાવે છે. સરકાર આંકડાની માયાજાળ બંધ કરીને ગીર સોમનાથ તથા જૂનાગઢ માં નોંધાયેલી FIR ની સામે કેટલી ’પોલીસ અરજીઓ’ પડતર છે તેનો ડેટા જાહેર કરે, છેલ્લા બે વર્ષમાં FIR નોંધવા માટે થયેલી હાઈકોર્ટની રિટ પિટિશન ની વિગતો આપે તેવી માંગ કરેલ હોવાનું સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
