બેકાબૂ ટોળાઓ દ્વારા ઠેર ઠેર તોડફોડ-આગજની, અમેરિકી હુમલાના ભયથી એરસ્પેસ બંધ કરાયા, અરાજકતાનો માહોલ
મોંઘવારી અને આર્થીક કટોકટી સામે સરકાર વિરોધી દેખાવો 100 શહેરોમાં પ્રસરી ચુકયા છે ત્યારે ઇરાને અમેરિકી હુમલાના ભયે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. આ ઉપરાંત દેશભરમાં ઇન્ટરનેટ સેવાઓ અને ટેલીફોન લાઇનો બંધ કરી દેવાઇ છે. આ બધા વચ્ચે એક નવા ઘટનાક્રમમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ટ્રુથ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે જો ઇરાન ગોળીબાર કરે છે અને શાંતિપુર્ણ વિરોધીઓને મારી નાખે છે તો અમેરિકા તેના બચાવમાં આવશે.
અહેવાલ સુચવે છે કે લોકો ’આ છેલ્લી લડાઈ છે, શાહ પહેલવી પાછા ફરશે’ ના નારા લગાવી રહ્યા હતા. હાલમાં દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઈરાનની સરકારી એજન્સી ફાર્સ અનુસાર તેહરાનમાં પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહેલા એક પોલીસ અધિકારીની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી.
દેશના બીજા સૌથી મોટા શહેર મશહદમાં પ્રદર્શનકારીઓએ દેશનો રાષ્ટ્રીય ધ્વજ ફાડી નાખ્યો. અમેરિકી હ્યુમન રાઈટ્સ એજન્સી અનુસાર, પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 45 લોકો માર્યા ગયા છે, જ્યારે 2,270થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
આ પ્રદર્શન દેશના નિર્વાસિત યુવરાજ રઝા પહેલવીની અપીલ બાદ તેજ બન્યું. રઝા પહેલવી ઈરાનના છેલ્લા શાહ મોહમ્મદ રઝા પહેલવીના પુત્ર છે. તેમના પિતાને 1979ની ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. યુવરાજ પહેલવી હાલમાં અમેરિકામાં રહી રહ્યા છે.
દેશભરમાં GenZ આક્રોશમાં છે. તેનું કારણ આર્થિક બદહાલી રહ્યું છે. ડિસેમ્બર 2025માં ઈરાની મુદ્રા રિયાલ ઘટીને લગભગ 1.45 મિલિયન પ્રતિ અમેરિકી ડોલર સુધી પહોંચી ગઈ, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. વર્ષની શરૂૂઆતથી રિયાલની કિંમત લગભગ અડધી થઈ ગઈ છે. અહીં મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં 72% અને દવાઓની કિંમતોમાં 50% સુધીનો વધારો નોંધાયો છે.
ટ્રમ્પ તમને મારી નાખશે: અમેરિકન નેતાની ખામનૈઇને ધમકી
રિપબ્લિકન પાર્ટીના નેતા લિન્ડસે ગ્રેહામે ઈરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ ખામેનીને મારી નાખવાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે ટ્રમ્પ આયાતુલ્લાહની હત્યા કરવા જઈ રહ્યા છે. ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા, ગ્રેહામે કહ્યું, “ઈરાનના લોકો, અમે આજે તમારી સાથે છીએ. અમે તમારી સાથે છીએ જેથી તમે આયાતુલ્લાથી તમારો દેશ પાછો મેળવી શકો. આયાતુલ્લા જેણે તમને મારી નાખ્યા અને દુનિયાને આતંકિત કરી. અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. અમે તમને ટેકો આપીએ છીએ. ડોનાલ્ડ જે. ટ્રમ્પ બરાક ઓબામા નથી. તમને તેમનો ટેકો છે.” તેમણે કહ્યું, “આયાતુલ્લાને, તમારે સમજવું જોઈએ કે જો તમે તમારા લોકોને મારવાનું ચાલુ રાખશો જે વધુ સારા જીવનની માંગ કરે છે, તો ડોનાલ્ડ જે. ટ્રમ્પ તમને મારી નાખશે. આયાતુલ્લા અને તેના ગુંડાઓને, જો તમે ટ્રમ્પને અવગણશો અને તમારા લોકોને મારવાનું ચાલુ રાખશો, તો અમે તમને મારી નાખીશું.”
