પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજયામાં ચારથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા ઉપર પ્રતિબંધ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા.19/04/2026ના રોજ પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 74 જેટલી શાળા-કોલેજોમાં આ પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ, પારદર્શક અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ કમિશ્નર દ્વારા કલમ – 163 મુજબ પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.તેમજ પરિક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજકોટના 74 પરીક્ષા કેન્દ્રો પર બે તબક્કામાં પરીક્ષા યોજાશે. જેમાં પ્રથમ પેપર સવારના 09:30 થી 12:30 વાગ્યા સુધી અને બીજું પેપર બપોરના 3 થી 6 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાર્થીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાને રાખી સવારના 08:00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસ કડક અમલવારી કરવામાં આવશે. જાહેરનામા મુજબ, પરીક્ષા કેન્દ્રો તરીકે જાહેર થયેલી શાળાઓ અને કોલેજોના કંપાઉન્ડમાં તેમજ તેની ચારેય બાજુની 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે.
આ વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં કે કોઈ પણ પ્રકારના વાહનો લાવવા-લઈ જવા નહીં. પરીક્ષામાં ખલેલ પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. પરીક્ષાની ગરિમા જળવાઈ રહે તે માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.જેમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસની 200 મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ ઝેરોક્ષ મશીનો પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવાના રહેશે.
કેન્દ્રોની આસપાસના 200 મીટર વિસ્તારમાં લાઉડ સ્પીકર કે અન્ય અવાજ કરતા સાધનો વગાડવા પર સદંતર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રની અંદર મોબાઈલ ફોન કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જઈ શકશે નહીં.
રાજકોટ પોલીસ દ્વારા તમામ 74 કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ન આચરે અને વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે. જે કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આગામી રવિવારે યોજાનારી આ મહત્વપૂર્ણ પરીક્ષાને લઈને રાજકોટ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ છે.
