ઉના તાલુકાના મોટાડેસર ગામમાં સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે થયેલા વિવાદ બાદ મહિલા સરપંચના ઘરે હુમલો થયો હતો. આ હુમલામાં બે મહિલા સહિત પાંચ લોકોને ઈજા પહોંચી હતી, જેમને ઉનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગામમાં આજે 20 નવદંપતિના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. સમૂહ લગ્ન સમિતિ દ્વારા ડીજે વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તેમ છતાં, રામભાઈ બારડના પુત્ર હાર્દિકના લગ્ન બાદ ડીજે લાવવામાં આવ્યું હતું. આ બાબતે સમિતિના આયોજક અને મહિલા સરપંચના પ્રતિનિધિ ભરતભાઈ શિંગડ સાથે રામભાઈ બારડની બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન રામભાઈ બારડે ભરતભાઈ શિંગડને જાહેરમાં ધમકી આપી હતી કે, ’તને જોઈ લઈશ અને ગામની વચ્ચે માફી મંગાવીશ. આવતા વર્ષે ગામમાં સમૂહ લગ્ન પણ નહીં થવા દઉં.’
આ ધમકી બાદ રામભાઈ બારડ, તેમના પુત્ર અભય બારડ (શિક્ષક), લખનભાઈ બારડ, કિશોરભાઈ ડાભી સહિત 7 થી 8 શખ્સો મહિલા સરપંચના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે મહિલા સરપંચના સાસુ, નણંદ, જેઠ અને જમાઈ સહિત પાંચ લોકો પર હુમલો કર્યો હતો, જેમાં તેમને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
તમામ ઈજાગ્રસ્તોને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉના પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
