ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર બંધ થઇ છે, અસામાજિક તત્વો પર લગામ કસી છે: ગ્રામજનો
રાજકોટ જિલ્લાના ગોંડલ ડિવિઝન હેઠળ આવતા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ. ખાચરની તાજેતરમાં બદલી થતા પંથકમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ બદલી રોકવા માટે 26 ગામોના સરપંચો અને ગ્રામજનો મેદાને આવ્યા છે. આજે સુલતાનપુર ગામ સ્વૈચ્છિક રીતે બંધ પાળી સરકાર સમક્ષ પોતાની માંગણી રજૂ કરી છે.
પી.આઈ. ખાચરે માત્ર 11 મહિનાના ટૂંકા ગાળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. તેમની પ્રામાણિક અને કડક છાપને કારણે અસામાજિક તત્વો પર લગામ કસાઈ હોવાનું મનાય છે. બદલીના સમાચાર પ્રસરતા જ ગ્રામજનો અને આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા.
સુલતાનપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા શ્રીનાથગઢથી નવાગામ સુધીના અંદાજે 26 જેટલા ગામોમાં આ બદલી ચર્ચાનો મુખ્ય વિષય બની છે. બદલીના વિરોધમાં આજે બપોર બાદ સુલતાનપુર ગામના બજારો સ્વૈચ્છિક રીતે બંધ રહ્યા હતા. આસપાસના ગામોના સરપંચો, સહકારી મંડળીના પ્રમુખો અને અગ્રણીઓએ એકસૂરે સરકારને આ બદલી મોકૂફ રાખવા વિનંતી કરી છે.
નવાગામના સરપંચ રમેશભાઈ કાકડિયાએ જણાવ્યું કે, “અમને એક વર્ષમાં જ આવા સારા અધિકારી મળ્યા છે જેમણે અસામાજિક તત્વો પર લગામ કસી છે. અમારી માંગ છે કે તેઓ ઓછામાં ઓછા 2 વર્ષ અહીં ફરજ બજાવે.”
સુલતાનપુર ગ્રામ પંચાયતના સભ્ય ભાવેશ બોરડે કહ્યું કે, “પોલીસ સ્ટેશન બન્યાના બે વર્ષમાં અમને સૌથી પ્રામાણિક અધિકારી મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે સાહેબની અહીં જરૂૂર છે.”
સામાન્ય રીતે પોલીસ અધિકારીની બદલી થતી હોય ત્યારે લોકોમાં ભિન્ન પ્રતિક્રિયાઓ જોવા મળતી હોય છે, પરંતુ સુલતાનપુરમાં જનતા પોતાના લોકપ્રિય અધિકારીને જાળવી રાખવા માટે આંદોલનના માર્ગે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર જનતાના આ આક્રોશ અને લાગણીને ધ્યાને લઈ બદલીનો ઓર્ડર પરત ખેંચે છે કે કેમ.
