વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં તેમના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી કચ્છની મુલાકાતે આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 26 અથવા 27 મેના રોજ યોજાનારી આ મુલાકાત દરમિયાન તેઓ ભુજની મુલાકાત લઈ શકે છે. માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે છે તેમની મુલાકાત દરમિયાન તેઓ ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરવા પહોંચી શકે તેવા અહેવાલો છે.
પહેલગામમાં આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી કેમ્પોને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. પાકિસ્તાની સેનાએ કચ્છ અને ભારતીય એરબેઝ સહિત વિવિધ સરહદી જિલ્લાઓમાં ડ્રોન ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા સફળતાપૂર્વક અટકાવી દેવામાં આવ્યો હતો. તાજેતરના તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે.
અગાઉ મંગળવારે પીએમ મોદીએ પાકિસ્તાનની સરહદથી માત્ર 100 કિમી દૂર સ્થિત આદમપુર એરબેઝ પર સૈનિકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કડક સ્વરમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે ભારત તરફ નજર ઉઠાવવાનું પરિણામ તબાહી હશે.
