અંધારપટ છવાતા કર્મચારીઓ અને તબીબોએ મોબાઈલની લાઈટમાં દર્દીઓની તપાસ કરવી પડી
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આજે વીજ પુરવઠો ખોરવાઈ જતાં હોસ્પિટલમાં અંધારપટ છવાઈ ગયો હતો. જેના કારણે હોસ્પિટલની કામગીરી પણ ઠપ્પ જેવી બની જવા પામી હતી અને દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હોસ્પિટલની કેસબારીમાં પણ અંધારું છવાઈ જતાં કર્મચારીઓને મોબાઈલની લાઈટના અજવાળે કેસ કાઢવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, હોસ્પિટલના તબીબોને પણ અંધારામાં દર્દીઓની તપાસ કરવાની નોબત આવી હતી. તબીબોએ મોબાઈલની લાઈટના સહારે દર્દીઓની તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.
વીજળીના અભાવે હોસ્પિટલ જેવી મહત્વની આરોગ્ય સંસ્થામાં આ પ્રકારની સ્થિતિ સર્જાતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય ત્યારે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ હોવી જરૂૂરી હોવા છતાં મોબાઈલની લાઈટના સહારે કામગીરી કરવાની નોબત આવતા હોસ્પિટલ તંત્રની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે. સરકારી જી.જી. હોસ્પિટલમાં રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે વીજ પુરવઠો ખોરવાય તેવી પરિસ્થિતિમાં દર્દીઓની સારવાર અને હોસ્પિટલની જરૂૂરી કામગીરીને અસર ન થાય તે માટે તંત્ર દ્વારા કાયમી અને અસરકારક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
