આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, દિનેશભાઈ ટપુભાઈ કાનાણી નામના વ્યકિત દ્વારા રાજકોટ સિવિલ કોર્ટ ખાતે રાજકોટની અતિ કિંમતી મિલ્કત ’શ્યામ ચેમ્બર’ દુકાન નં.2 ભાડલા પેટ્રોલ પંપ સામે, રાજકોટનો કબજો પરત મેળવવા અંગેનો દાવો દાખલ કરેલ હતો. તથા તે દાવામાં જાણાવેલ કે, તેમનો ઘણાં વર્ષોથી કિંમતી મિલ્કતમાં કબજો રહેલો છે તેમજ તેઓ તે મિલ્કતમાં ભાડુઆતી તરીકે હકક, હિત, હિસ્સો ધરાવે છે તે મિલ્કતના માલિક સંજયભાઈ વેલજીભાઈ પરમાર ધ્વારા જો હુકમી કરી તથા ગેરકાયદેસર રીતે મિલ્કતનો કબજો લઈ લીધેલ છે જેથી દુકાનનો કબજો પાછો મેળવવા અંગે કોર્ટમાં અરજ ગુજારેલ હતી.
દિનેશભાઈ કાનાણી નામના વ્યકિતએ દાવો દાખલ કરતા સાથે સંજયભાઈ વેલજીભાઈ પરમાર નામના વ્યકિત કિંમતી મિલ્કત અન્ય ત્રાહીત વ્યકિતના નામે ટ્રાન્સફર ન કરે તે હેતુથી મનાઈ હુકમની માંગણી કરેલ હતી તથા કોર્ટે સમન્સ મોકલતા સંજયભાઈ વેલજીભાઈ પરમાર કોર્ટ સમક્ષ હાજર થયેલ હતા તથા તેમણે દિનેશભાઈ ટપુભાઈ કાનાણીનું અરજીનો વિરોધ નોંધાવતા જણાવેલ કે, દિનેશભાઈ ટપુભાઈ કાનાણીએ આશરે 11વર્ષથી ભાડુ ચુકવેલ નથી જેથી દુકાનનો અમોએ કબજો મેળવેલ છે.
દિનેશભાઈ ટપુભાઈ કાનાણી વતી તેમના એડવોકેટ દેવદત બી. મહેતા એ જણાવેલ કે, દિનેશભાઈ ટપુભાઈ કાનાણીનો ઘણાં વર્ષોથી સદરહુમિલ્કતમાં કબજો રહેલો છે તેમજ ભાડુ ન આપવાની હકિકત સંજયભાઈ વેલજીભાઈ પરમાર સાબીત કરી શકેલ નથી કે તે હકિકત ધ્યાને લેવામાં આવી જોઈએ નહી તેવી તેમના એડવોકેટે દલીલ કરેલ હતી તથા સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના જજમેન્ટસ રજુ રાખેલ હતા.
બંને પક્ષોની સુનાવણી બાદ રાજકોટના 9માં એડી. સિવિલ જજ ધ્વારા દિનેશભાઈ ટપુભાઈ કાનાણીની અરજી મંજુર રાખવાનો હુકમ ફરમાવેલ છે તથા અતિ કિંમતી મિલ્કતમાં સંજયભાઈ વેલજીભાઈ પરમારને મિલ્કતની યથાવત પરિસ્થિતી જાળવી રાખવાનો હુકમ ફરમાવેલ છે. તથા તે મિલ્કતમાં અન્ય વ્યકિતનું હિત ટ્રાન્સફર ન કરી શકે તેવો હુકમ ફરમાવેલ છે. આ કામમાં દિનેશભાઈ ટપુભાઈ કાનાણી વતી લો-મેન્શન ટીમના એડવોકેટ અમિત બી. વેકરીયા, દેવદત બી. મહેતા, સંજય ડી. અજાણી, વિદીત એમ. ડોબરીયા, જય ડી. ઢોલરીયા તથા હર્ષ એ. દોમડીયા રોકાયેલ હતા.
